Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

અનેક સગીરાના શિયળ લૂંટયા : જયોતિગીરી મહારાજ ફસાયા

પિડીતા પાસે ૬૦૦ વિડીઓ : મોટો વિસ્ફોટ : સ્વયંભૂ બની બેઠેલા સંત જયોતિગિરી સામે ખળભળાટ સર્જતા આક્ષેપોઃ મહારાજ રફુચક્કર

ગુડગાંવ,તા. રર : જયોતિગીરી મહારાજે મારી સાથે જબરદસ્તીથી સંબંધો બનાવ્યા હતા. મારી પાસે જયોતિગિરી મહારાજના એવા ૬૦૦ વિડીયો છે જેમાં તે સગીર છોકરીઓનું યૌન શોષણ કરતા દેખાય છે. આ દાવો છે એ પીડિત મહિલાનો જેણે ગુડગાંવના પ્રખ્યાત બાબા જયોતિગિરી મહારાજ પર યૌન શોષણનો આરોપ મુકયો છે. મહિલાના આરોપો અને પોલીસ કાર્યવાહીની વાત આપણે પછી કરીશું પણ તે પહેલા આવો આપણે આ બાબત વિષે જાણીએ.

સ્વયંભૂ સપ્તજયોતિગિરી મહારાજનો ગુડગાંવના બરોડા કલાગામમાં આશ્રમ છે. જયોતિગીરી મહારાજ આઇએએસની નોકરી છોડીને બાબા બન્યા હતા. આ બાબત છેલ્લા વીસ વર્ષથી અહીં જ આ ગામમાં રહે છે. હરિયાણાની વર્તમાન ખટ્ટર સરકારના કેટલાક પ્રધાનોથી માંડીને કોંગ્રેસના કેટલાય નેતાઓના ફોટાઓ પણ બાબા સાથે સોશ્યલ મીડીયામાં છે.

એટલું જ નહીં ગુડગાંવના સાંસદ રાવ ઇન્દ્રજીતથી માંડીને ભાજપા નેતા સંતોષ યાદવ, રાવ નરવીરસિંહ જેવા મોટા સફેદ પોશો બાબાના આશ્રમમાં આશિર્વાદ અભિલાષા લઇને આવે છે. યુ ટયુબમાં એવા ઘણા વિડીયો છે. જેમાં બાબા રામ મંદિર વિષે બોલતા જોવા મળે છે. દક્ષિણ હરિયાણામાં બાબાની પણ ગૌશાળાઓ છે. ફકત હરિયાણા જ નહીં પણ ઉજજૈન, કાશી અને હરિદ્વારમાં પણ આ બાબાના ઘણા આશ્રમો છે.

આવું મોટું નામ ધરાવતા બાબા જયોતિગિરી પર એક મહિલાઓ યૌન શોષણના આરોપ મુકયો છે. કેટલાક મીડીયા રિપોર્ટર મુજબ પીડિત મહિલાએ સોશ્યલ મીડીયા પર પોતાની આપવીતી સંભળાવી છે. પીડીતા અનુસાર બાબાએ તેની સાથે જબરદસ્તીથી યૌન સંબંધો જોડયા હતા. મહિલાનું એવું પણ કહેવું છે કે તેની પાસે એવા ૬૦૦ વીડીયો છે જેમાં  બાબા સગીર છોકરીઓનું યૌન શોષણ કરતા દેખાય છે. મહિલાનો દાવો છે કે ઘણી છોકરીઓ બાબા વિરૂધ્ધ મોઢુ ખોલવા ઇચ્છે છે પણ તેમના જીવનનું જોખમ ઉભુ થાય તેમ હોવાથી તે ચૂપ છે.

આ મામલામાં આમ આદમી પાર્ટીના હરિયાણા એકમના મીડીયા પ્રભારી સુધીર યાદવે વીડીયો જોયા પછી પોલીસને ફરીયાદ કરી હતી. ત્યાર પછી સાયબર સેલ આની તપાસ કરી રહ્યું છે. જો કે હજી સુધી કોઇપણ પીડિત છોકરીએ પોલીસની સામે આવીને બયાન નથી આપ્યું અથવા કેસ નથી નોંધાવ્યો. એવું કહેવાઇ રહ્યું છે કે ગામની એક વ્યકિતએ ગુડગાંવ પોલીસ કમિશ્નર અને ચંદીગઢ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશને જયોતિગિરી મહારાજ વિરૂધ્ધ ફરીયાદનો પત્ર લખ્યો છે.

આ મામલે ગામમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેના માટે મહારાજના આશ્રમ પાસે પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પીડિત મહિલાનો વિડીયો વાઇરલ કરનાર વિરૂધ્ધ પણ પોલીસે કેસ નોંધ્યો છે કેમકે આવું કરીને તેમણે મહિલાની ઓળખ જાહેર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિડીયો વાઇરલ થયા પછી બાબા જયોતિગિરી મહારાજ ફરાર થઇ ગયા છે. હવે પોલીસ આ બનાવની તપાસમાં લાગી ગઇ છે. (હિન્દી જનસતામાંથી સાભાર )

(1:15 pm IST)