Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બપોરે રોઝ એવન્યુ કોર્ટ સમક્ષ ચિદમ્બરમને રજૂ કરશે સીબીઆઈ

નવી દિલ્હી : પી. ચિદમ્બરમની ગત મોડીરાત્રે નાટ્યાત્મક ઢબે અટકાયત કરાઈ હતી. બુધવારે મોડી રાતે સીબીઆઇએ તેમને દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી અરેસ્ટ કર્યા હતા. તે પહેલાં પી. ચિદંબરમે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટતા આપી. તેમણે આ વાતની પણ સ્પષ્ટતા આપી કે ગત ૨૭ કલાકથી તેઓ કયાં હતા અને સીબીઆઇની સામે શા માટે આવ્યાં ન હતાં.

ધરપકડ બાદ પણ પી. ચિંદમ્બરમ માટે આગોતરા જામીનની અરજીનો કોઇ અર્થ નથી રહ્યો. સુપ્રીમ કોર્ટે આવતીકાલે શુક્રવારે તેમના આગોતરા જામીનની સુનાવણીની તારીખ નક્કી કરી હતી. પરંતુ હવે ચિદમ્બરમ નિયમિત જામીન માટે અરજી કરી શકે છે. તેમણે સૌથી પહેલાં તે અદાલતમાંથી જામીન માંગવા પડશે, જેમાં તેમને હાજર કરવામાં આવશે. જો તેમની અરજી અહીં ફગાવી દેવામાં આવશે તો તે ઉચ્ચ અદાલતમાં જામીન માગી શકે છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર સીબીઆઇ હવે દિલ્હીની રોઝ એવન્યુ કોર્ટમાં બપોરે ૧૪ દિવસના રિમાન્ડની માગ કરી રહી છે. સીબીઆઇએ ચિદમ્બરમને મુખ્ય ષડયંત્રકર્તા માન્યા છે. આ ઉપરાંત સીબીઆઇ ઉપરાંત ઇડી તરફથી પણ ચિદમ્બરમના રિમાન્ડ માંગવામાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પી. ચિદંબરમ ગૃહ મંત્રી હતા ત્યારે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ અમિતભાઈ શાહની ધરપકડ કરી હતી. હવે એક દશક બાદ અમિતભાઈ શાહ દેશના ગૃહ મંત્રી છે અને પી. ચિદંબરમને સીબીઆઇએ અરેસ્ટ કર્યા અને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યુ છે.

(1:14 pm IST)