Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પિતા-પુત્ર પાસે હજારો કરોડની સંપત્તિ : તપાસ લાંબી ચાલશે

પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ્ આઇએનએકસ મીડિયા અને એરસેલ મેકસીસ ડીલ જ નહિ અને ચાર કેસ પણ મોઢુ ફાડીને ઉભા છે : કાર્તિ ચિદમ્બરમ્ની દેશ-વિદેશમાં અનેક બેનામી કંપનીઓ : પનામા પેપર્સમાં પણ તેની કંપનીનું નામ ઉછળ્યું હતું

નવી દિલ્હી, રર : ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ્ વિરૂદ્ધની તપાસ બહુ દૂર સુધી જાય તેવું લાગે છે. ઇડી અને સીબીઆઇના દાવાઓ પર ભરોસો કરીએ તો તેમની પાસે ફકત આઇએનએકસ મીડીયા (જે કેસમાં ધરપકડ થઇ છે)ની જ નહીં પણ ચિદમ્બરમ્ની દેશ-વિદેશમાં ફેલાયેલી હજારો કરોડની સંપત્તિઓ પણ તપાસ હેઠળ છે. એફઆઇપીબી કલીયરન્સને જ લઇએ તો આઇએનએકસ મીડીયા અને અરેસેલ-મેકસીસ ડીલ ઉપરાંત ચાર અન્ય કેસમાં પણ ચિદમ્બરમ્ની ભૂમિકાની તપાસ થઇ રહી છે. ઇડી અને સીબીઆઇનું કહેવું છે કે તપાસ શરૂ થઇ ત્યારથી જ આગોતરા જામીન મેળવી ચૂકેલા ચિદમ્બરમ્ અને તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ે કયારેય પૂછપરછમાં સહયોગ નથી આપ્યો. દેશ-વિદેશમાં સ્થિત તેમની હજારો કરોડની સંપત્તિની સાબિતઓ જે તે દેશોમાંથી મંગાવાઇ છે. આ ઉપરાંત તપાસ અંગે પડાયેલા દરોડાઓમાં જપ્ત કરવામાં આવેલ ઇ-મેલ, હાર્ડડીસ્ક અને અન્ય દસ્તાવેજોમાં મની લોન્ડરીંગ અંગેના મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા છે. આ દસ્તાવેજો અંગે ચિદમ્બરમ્ની પૂછપરછ જરૂરી છે.

એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે લગભગ દોઢ વર્ષથી એજન્સીઓ પૂછપરછ માટે તેમની રાહ જોઇ રહી છે. તેઓ કોઇપણ પ્રકારે પૂછપરછની તક ગુમાવવા નથી ઇચ્છતી. એટલા માટે જ સીબીઆઇ અને ઇડીની ટુકડીઓ સતત પી ચિદમ્બરમ્ને શોધી રહી છે એટલું જ નહીં પણ ચોકસાઇ માટે તેમની સામે લુકઆઉટનો સકર્યુલર પણ બહાર પાડવામાં આવ્યો છે.

ઇડીના સુત્રો અનુસાર, લાંચની રકમ લેવા માટે કાર્તિ ચિદમ્બરમ્ે દેશ-વિદેશમાં કેટલીયે બોગસ કંપનીઓ બનાવી રાખી હતી. નાણાપ્રધાન તરીકે પી.ચિદમ્બરમ્ વિભિન્ન કંપનીઓને ગેરકાયદેસર રીતે મદદ કરતા હતા, જેના વળતરરૂપે લાંચની રકમ વિભિન્ન બોગસ કંપનીઓમાં જમા કરાવી દેવાતી હતી. ઇડીનો દાવો છે કે આવી જ એક બોગસ કંપનીના ખાતામાં ૩૦૦ કરોડ રૂપિયા જમા કરાવાયા હતા. આવી એક બોગસ કંપનીના બધા શેરહોલ્ડરો અને ડાયરેકટરોએ પોતાના શેર કાર્તિ ચિદમ્બરમ્ની દિકરીના નામે કરવાનું વસિયતનામુ લખી રાખ્યું હતું.

ઇડીનો દાવો છે કે કાર્તિ ચિદમ્બરમ્ની એક બોગસ કંપનીમાં બ્રિટીશ વર્જીન આલેન્ડની કંપનીએ મોટી રકમ જમા કરાવી હતી. આ કંપનીનું નામ પનામાં પેપરમાં પણ આવ્યું હતું. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે કાર્તિ અને પી. ચિદમ્બરમ્ના વિદેશોમાં બે ડઝનથી પણ વધારે ખાતાઓ મળ્યા છે, જેમાં કરોડોની રકમ જમા કરાવાઇ હતી. કાળાનાણાની રકમનો ઉપયોગ પી. ચિદમ્બરમ્ અને કાર્તિ પોતાના અંગત ખર્ચ કરતા હતાં અને તેની સાબિતીઓ પણ છે. આ ઉપરાંત ચિદમ્બરમ્ની મલેશિયા, બ્રિટન અને સ્પેનમાં પણ કેટલીય મિલકતોની માહિતી મળી છે. સ્પેનમાં એક ટેનિસ કલબ અને મલેશિયામાં એક મકાન છે. જયારે બ્રિટનમાં એક મોટા બંગલા સહિત લગભગ એક ડઝન સ્થાવર મિલકતો છે. આ મિલકતોની કિંમત હજારો કરોડ રૂપિયા છે. સીબીઆઇના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, ચિદમ્બરમ્ સામે અત્યારે તો એરસેલ-મેકસીસ અને આઇએનએકસ મીડીયા કેસમાં તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ડીયાગો સ્કોટલેન્ડ, કટારા હોલ્ડીંગ્સ, એસ્સાર સ્ટીલ અને એલફોર્જમાં એફઆઇપીબી કલીયરન્સમાં પણ ચિદમ્બરમ્ની ભૂમિકા શંકાસ્પદ છે અને ટુંક સમયમાં જ આ બધા મામલામાં અલગ અલગ કેસ નોંધીને તપાસ શરૂ થઇ શકે છે.

(3:24 pm IST)