Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

હવે ટ્રાફિક નિયમો તોડયા તો ભરવો પડશે ભારે દંડ

૧ સપ્ટેમ્બરથી લાગુ થઈ રહ્યો છે નવો કાયદો

નવી દિલ્હી, તા.૨૨: દેશમાં સતત વધતી જઈ રહેલા માર્ગ અકસ્માતો રોકવા માટે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 'મોટર વ્હિકલ સંશોધન બિલ-૨૦૧૯' સંસદમાં પસાર કરાયું છે. સંશોધિલ બિલની અનેક જોગવાઈઓ દેશભરમાં ૧ સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે. નવા કાયદામાં પરિવહન સંબંધિત નિયમોના ઉલ્લંદ્યનમાં મોટા દંડની જોગવાઈ કરાઈ છે.

નવા કાયદા અનુસાર ટ્રાફિક નિયમોના ઉલ્લંદ્યનમાં દંડની સાથે-સાથે સજાની પણ જોગવાઈ કરાઈ છે. મોટર વ્હિટલ અમેન્ડમેન્ટ એકટને ૧૮ રાજયોના પરિવહન મંત્રીઓએ ભેગા મળીને તૈયાર કર્યો હતો.

જૂઓ કેટલાક મહત્વના નિયમો જે તમને અસર કરી શકે છે....

૧. સગીર વયના કિશોર/કિશોરી દ્વારા ગાડી ચલાવવાના સંજોગોમાં વાલીઓને સજા ફટકારવામાં આવશે. વાલી/વાહન માલિકને ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.

૨. દારૂ પીને ગાડી ચલાવવા પર રૂ.૧૦ હજારના દંડની જોગવાઈ.

૩. હેલમેટ વગર ગાડી ચલાવવા પર રૂ.૧૦૦૦નો દંડ. અત્યારે આ દંડ રૂ.૧૦૦ છે, જેને વધારીને રૂ.૧૦૦૦ કરાયો છે. સાથે જ ત્રણ મહિના માટે લાયસન્સ પણ જપ્ત થશે.

૪. જોખમી રીતે ગાડી ચલાવવા પર એટલે કે રેશ ડ્રાઈવિંગ માટે અત્યારે રૂ.૧૦૦૦નો દંડ છે, જેને વધારીને રૂ.૫૦૦૦ કરાયો છે.

૫. ડ્રાઈવિંગ લાયન્સ વગર વાહન ચલાવવા પર અત્યારે રૂ.૫૦૦નો દંડની જોગવાઈ છે, જેને ૧૦ ગણી વધારીને રૂ.૫૦૦૦ કરાઈ છે.

૬. ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ થયું હોય છતાં પણ વાહન ચલાવવા માટે રૂ.૧૦,૦૦૦નો દંડ ભરવાનો રહેશે. અત્યારે આ રૂ.૫૦૦ છે.

૭. સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડી ચલાવવા માટે અત્યારે રૂ.૧૦૦નો દંડ છે, જેને વધારીને રૂ.૧૦૦૦ કરાયો છે.

૮. ઓવર સ્પીડ પરનો દંડ રૂ.૪૦૦થી વધારીને રૂ.૧૦૦૦-૨૦૦૦ કરાયો છે.

૯. ફોન પર વાત કરતા કરતા ડ્રાઈવિંગ કરવા માટે અત્યારે રૂ.૧૦૦૦નો દંડ છે, જેને વધારીને રૂ.૫૦૦૦ કરાયો છે.

(10:28 am IST)