Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મહારાષ્‍ટ્રમાં મેઘરાજાના પ્રકોપથી સર્જાયેલ ભૂસ્‍ખલનમાં ૬૨ લોકોએ આકસ્‍મિક જીંદગી ગુમાવી

મહારાષ્‍ટ્રના રાયગઢ તેમજ સતારા-રત્‍નાગીરીમાં વરસાદના સતત કહેરથી વિકટ સ્‍થિતિ સર્જાઇ

મુંબઇ : મહારાષ્ટ્રના રાયગઢ ઉપરાંત સતારા અને રત્નાગીરી જિલ્લામાં વરસાદ કહેર બનીને વરસી પડ્યો છે. ભૂસ્ખલનનાં લીધે મૃત્યુઆંક 62 પર પહોંચી ગયો છે. ગુરૂવારથી શરૂ થયેલા વરસાદને પગલે ભૂસ્ખલનમાં રાયગઢનાં મહાડ તાલુકામાં અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત હજી પણ 30 લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં માર્ગ અને રેલ્વે નેટવર્ક ખોરવાઈ રહ્યું છે.

કનેક્ટિવિટીનાં અભાવે રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે, આ મોત મહાડ તાલુકાના તલાઈ ગામ સહિત ત્રણ અલગ અલગ ઘટનામાં આ મોત થયા છે. એકલા તલાઇ ગામમાંથી જ અત્યાર સુધીમાં 32 લાશ મળી આવી છે. આ ઉપરાંત સાક્ષરસુતારવાડી ગામમાંથી 4 લાશ મળી આવી છે.

બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓનું કહેવું છે કે આ ગામોમાંથી અત્યાર સુધી 15 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ કાટમાળની નીચે 30 થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આને કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ પણ છે.

આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે અને તમામ શક્ય સહાયની ખાતરી આપી છે. દરમિયાન, એનડીઆરએફની ટીમો પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં એરફોર્સને પણ બચાવ કાર્યમાં લગાવવામાં આવી છે. એરફોર્સએ પણ ઘણા લોકોને એરલિફ્ટ કરીને બહાર કાઢ્યા છે.

(8:47 pm IST)