Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

લાંબા સમયે નવજોત સિધ્ધૂ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંન્દર સાથે જોવા મળ્યા

વિધાનસભાની ચૂંટણી પૂર્વે પંજાબ કોંગ્રેસનું સંકટ ઘટ્યું : વિવાદ બાદ નવજોતની પંજાબ કોંગ્રેસના અધ્યપદે વરણી

ચંદિગઢ, તા.૨૩ : પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સર્જાયેલું સંકટ અમુક અંશે ઘટતું જણાય છે. આજે એટલે કે શુક્રવાર સવારથી કોંગ્રેસી નેતા નવજોત સિંહ સિદ્ધુ પંજાબ કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું.

નવજોત સિંહ સિદ્ધુની તાજપોશી પહેલા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તમામ ધારાસભ્યો અને પંજાબ કોંગ્રેસના અધિકારીઓને ટી પાર્ટી માટે બોલાવ્યા હતા. પંજાબ ભવન ખાતે યોજાયેલી ટી પાર્ટીમાં નવજોત સિંહ સિદ્ધુ સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ટી પાર્ટીમાં લાંબા સમય બાદ સિદ્ધુ અને કેપ્ટન એક મંચ પર જોવા મળ્યા હતા.

પંજાબ કોંગ્રેસના નવા વર્કિંગ પ્રેસિડેન્ટ સંગત સિંહ, કુલજીત નાગરા ગુરૃવારે કેપ્ટન અમરિંદર સિંહને આમંત્રણ આપવા ગયા હતા જે તેમણે સ્વીકારી લીધું હતું. નવજોત સિંહ સિદ્ધુ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણમાં લખ્યુ હતું કે, કેપ્ટન પરિવારના વડીલ છે, આ સંજોગોમાં તેઓ આવીને નવી ટીમને આશીર્વાદ આપે.

ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુ સતત કેપ્ટન અમરિંદર સિંહ પર નિશાન તાકતા રહ્યા હતા. તેવામાં કેન્દ્રીય હાઈકમાનની મરજી છતાં તેમણે પંજાબ કોંગ્રેસની ખુરશી પર બેસવા માટે ઘણા દિવસો સુધી રાહ જોવી પડી હતી. કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુ પોતાની માફી માગે તેવી માગણી કરી હતી.

જોકે નવજોત સિંહ સિદ્ધુએ માફી માગવાની ના પાડી દીધી હતી. ત્યારે હવે કેન્દ્રીય હાઈકમાનના નિર્દેશ પર તમામ કોંગ્રેસી નેતાઓ એક સાથે એક મંચ પર આવી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષનું પદ મળ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુ સતત નેતાઓની મુલાકાત લઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમણે અમૃતસર, નવાંશહર સહિત અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી.

(7:58 pm IST)