Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જે વર્ષે તેમનો જન્મ થયો હતો હું બોર્ડરની સેવામાં લાગ્યો હતો

નવજોત સિદ્ધુ સાથે સંબંધો પર કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું : નવજોત સિદ્ધુએ શુક્રવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષપદનો કાર્યભાર સંભાળી લીધો

ચંદીગઢ, તા.૨૩ : પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલો વિવાદ હાલ થમી ગયો છે. નવજોત સિંહ સિદ્ધુની પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે તાજપોશી થઇ છે. ખાસ વાત એ રહી કે આ પ્રસંગે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ ઉપસ્થિત હતા. છેલ્લા કેટલાક સમયથી સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. કેપ્ટનનો ઘણો વિરોધ હોવા છતા સિદ્ધુને હાઇકમાન્ડે પંજાબના અધ્યક્ષ બનાવ્યા છે. આ પછી અમરિંદર સિંહે સિદ્ધુ સાથે પોતાના સંબંધો પર દિલ ખોલીને વાત કરી છે. તેમણે કહ્યું કે જે સિદ્ધુનો જે વર્ષ જન્મ થયો હતો તે વર્ષે તે સરહદ પર દેશની સેવા કરી રહ્યા હતા. આ પ્રસંગે અમરિંદર સિંહે કહ્યું કે તે સિદ્ધુ સાથે મળીને કામ કરશે.

   જે વર્ષે એટલે કે ૧૯૬૩માં જ્યારે સિદ્ધુનો જન્મ થયો હતો તે સમયે હું આર્મીમાં હતો. સિદ્ધુના પિતા અને મારી માતા એક સાથે રાજનીતિમાં હતા. જ્યારે હું આર્મી છોડીને આવ્યો તો સિદ્ધુના પિતાએ મને રાજનીતિમાં લાવવામાં મદદ કરી હતી. તે સમયે હું સિદ્ધુના ઘરે જતો હતો. તે સમયે તે ફક્ત ૬ વર્ષનો હતો. નવજોત સિદ્ધુએ શુક્રવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષનો કાર્યભાર સંભાળી લીધો છે. પંજાબના કોંગ્રેસ નવનિયુક્ત અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે તેઓ હકની લડાઈ માટે આવ્યા છે. તેમણે કહ્યું કે હવે કોંગ્રેસનો દરેક કાર્યકર્તા પ્રધાન છે. ખેડૂત આંદોલન પર સિદ્ધુએ કહ્યું કે તેમને દિલ્હીમાં બેઠેલા ખેડૂતોની ચિંતા છે અને હવે પંજાબનો દરેક ખેડૂત પ્રધાન છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની સાથે મળીને કામ કરીશું અને કાર્યકર્તા વગર કોઈ પાર્ટી નથી હોતી. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે તેઓ ૧૮ સૂત્રીય એજન્ડાથી પાછળ નહીં હટે. સિદ્ધુએ કહ્યું કે, કોંગ્રેસ એકજૂથ છે અને જેમ અણુ વિના પરમાણુ અને વ્યક્તિ વિના સમાજ નથી બની શકતો, તેવી જ રીતે કાર્યકર્તા વગર પાર્ટી નથી બની શકતી. સિદ્ધુએ કહ્યું કે, હું વિરોધીઓના પથારી ફેરવી દઈશું.

(7:58 pm IST)