Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મહારાષ્ટ્ર હજુ કોરોનાની લપેટમાંથી બહાર ન આવ્યુ ત્યાં વરસાદે કહેર મચાવ્યોઃ સતારા જીલ્લામાં બે દિવસમાં ૪૨ ઇંચ વરસાદ ખાબક્યોઃ ભુસ્ખલનથી ૧૨ના મોત

અનેક ગામો સંપર્ક વિહોણાઃ ફસાયેલ ૨૭ લોકોને બચાવી લેવાયા

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતા ભારે ચિંતા પ્રસરી ગઇ છે. ૪૦ વર્ષમાં પ્રથમ વખત આટલો ભારે વરસાદ પડ્યો છે.

મહારાષ્ટ્ર રાજ્યની માઠી દશા બેઠી હોય એવી સ્થિતિ છે. હજુ તો રાજ્ય કોરોનાથી બહાર નીકળી શક્યું નથી ત્યાં માથે આભ ફાટ્યું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં ટેકરીઓ ધસી પડવાથી અનેક ગામો દબાયાના અહેવાલો છે. નદીઓ પણ બે કાંઠે વહી રહી છે અને સતત નવી નવી દુર્ઘટનાના અહેવાલો આવી રહ્યા છે. એ વચ્ચે સતારા જિલ્લો પણ હવે વરસાદની ઝપટમાં આવી ગયો છે. બે દિવસમાં એ જિલ્લામાં 42 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.

સતારાના અનેક વિસ્તારોમાં મકાન અંદર પાણી ઘૂસી ગયું છે. રાજ્ય સરકાર, ડિઝાસ્ટર રિલિફ ફોર્સ, ભારતીય નૌકાદળ,વગેરે બચાવકામગીરીમાં લાગ્યા છે. સતારામાં અત્યારે 12 વ્યક્તિ ફસાયાના અહેવાલો મળ્યા છે. સતારાના કેટલાક ગામો પણ સંપર્કવિહોણા થઈ ગયા છે. જોકે બીજી તરફ 27 ફસાયેલા નાગરિકોને બચાવી લીધા હોવાની જાણકારી પણ જિલ્લા કલેક્ટરે આપી હતી.

મહારાષ્ટ્રના આ બધા જિલ્લા વેસ્ટર્ન ઘાટમા આવતા હોવાથી ત્યાં સામાન્ય રીતે વધુ વરસાદ પડતો જ હોય છે. પરંતુ આ વખતે વરસાદે ટૂંકા સમયમાં જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે.

દરમિયાન સાતારાના અંબેઘરમાં આવી જ એક વધુ દુ: ખદ અને મોટી દુર્ઘટના બની છે. અહીં પણ ભૂસ્ખલન થવાના કારણે 12 લોકોના મોત થયાની આશંકા છે. મુશળધાર વરસાદને કારણે આ મોટો અકસ્માત પાટન પાસે આવેલા અંબેઘર ગામમાં બન્યો હતો.

40 વર્ષમાં આટલો બધો વરસાદ ક્યારેય વરસ્યો નથી

ગૃહ રાજ્યમંત્રી શંભુરાજ દેસાઈના જણાવ્યા મુજબ છેલ્લા 40 વર્ષમાં આટલો બધો વરસાદ ક્યારેય વરસ્યો નથી. અનેક સ્થળોએ લોકો ફસાયેલા છે. પરંતુ સ્થિતિ એટલી ગંભીર છે કે બચાવકામગીરી પણ થઈ શકે એમ નથી. સતારા કલેક્ટરે જણાવ્યું હતું કે ભૂસ્ખલન થવાના ભયે કેટલાક સ્થળોએ અમારે બચાવકામગીરી અટકાવી દેવી પડી હતી.

મહારાષ્ટ્રમાં વરસાદના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિ

મહારાષ્ટ્રમાં વરસાદના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિ વ્યાપી છે. આ બધા વચ્ચે મુંબઈના ગોવંડી વિસ્તારમાં એક ભારે મોટી દુર્ઘટના બની છે. ગોવંડી ખાતે એક બિલ્ડિંગ ધરાશયી થવાના કારણે આશરે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મુંબઈ પોલીસના કહેવા પ્રમાણે ગોવંડીના શિવાજી નગર વિસ્તારમાં મકાન ધસી પડવાની ઘટના બની છે. તેમાં 7 લોકોના મોત થયા છે અને અન્ય 3 લોકોને ઈજાઓ થઈ છે. દુર્ઘટના બાદ બીએમસીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યારે ફાયર બ્રિગેડ અને અન્ય ટીમો પણ રાહત-બચાવ કાર્ય કરવા માટે પહોંચી છે.

(6:53 pm IST)