Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મહારાષ્ટ્રનાં રાયગઢમાં વરસાદઃ ભુસ્ખલન થતા ૩રના મોત : ૭૦ લાપતા

ભીમા શંકર જયોતિર્લિંગનો અડધો ભાગ પાણીમાં ગરકાવ

મુંબઇ, તા. ર૩ : ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના કોલ્હાપુર, રાયગઢ, રત્નાગિરી, પાલઘર, ઠાણે અને નાગપુરના કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિ બની ગઇ છે. મુંબઇ પાસે આવેલા ગોવંડીમાં એક બિલ્ડિંગ પડતા ૪ લોકોના મોત થયા હતા, તમામ મૃતક એક જ પરિવારના છે. દૂર્ઘટનામાં ૬ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ રાયગઢના તલઇ ગામમાં ૩૫ ઘરો પર ભૂસ્ખલન થયુ હતુ જેને કારણે ૩૨ લોકોના મોત થયા છે જ્યારે ૭૦થી વધુ લોકો લાપતા થયા છે.

જિલ્લા કલેકટર નિધિ ચૌધરીએ જણાવ્યુ કે કલઇ ગામમાં લેન્ડસ્લાઇડ થઇ છે. NDRFની એક ટીમ ઘટનાસ્થળે પહોચી હતી, લોકોને રેસક્યૂ કરવા માટે પાણીમાં ડુબી રહેલા રસ્તા પર નાવ ચલાવવામાં આવી રહી છે. વરસાદી નદીનું પાણી શહેર, કસ્બા અને ગામમાં ઘુસી ગયુ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે કોંકણ, મુંબઇ અને તેની આસપાસના જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ઠાણે અને પાલઘરમાં ભારે વરસાદને કારણે લો લાઇન વિસ્તાર ૨૪ કલાક પાણીમાં ડુબેલા છે. કોંકણ ડિવીજનમાં અત્યાર સુધી વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં ૮ લોકોના મોત થઇ ચુક્યા છે. આશરે ૭૦૦ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

રત્નાગિરી જિલ્લામાં જગબુડી નદી ખતરાના નિશાનથી ૨ મીટર અને વશિષ્ઠ નદી ખતરાના નિશાનની નજીક એક મીટર ઉપર વહી રહી છે. કજલી, કોડાવલી, શાસ્ત્રી અને બાવંડી નદીએ પણ ખતરાના નિશાનને પાર કરી લીધો છે. કુંડલિકા, અંબા, સાવિત્રી, પાતાલગંગા, ગઢી અને ઉલ્હાસ નદી પણ ચેતવણીના સ્તર પર વહી રહી છે.

વરસાદને કારણે કોંકણ રેલ રૂટ પર કેટલીક જગ્યાએ લેન્ડસ્લાઇડ થઇ છે. રત્નાગિરી જિલ્લામાં વરસાદને કારણે રેલ સર્વિસ બંધ થઇ ગઇ હતી, તેનાથી અલગ-અલગ જગ્યાઓ ઉપર આશરે ૬ હજાર મુસાફર ફસાયેલા છે, તેમણે બહાર કાઢવા માટે NDRFની ટીમોને લગાવવામાં આવી છે.

(4:07 pm IST)