Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ઓલમ્પિક વિશે અવનવું જાણો

પ્રાચીન ઓલમ્પિક માત્ર રમતો નહીં, પરંતુ ધાર્મિક અનુષ્ઠાન પણ હતા

ગ્રીસમાં સદીઓ સુધી 'ઓલમ્પિયા' નુ આયોજન થયું હતું: આ સ્પોર્ટસ હિન્દુ દેવી-દેવતાઓની યાદ અપાવતા પ્રાચીન ધર્મનો પરીચય કરાવે છે : ગ્રીસના નિવાસીઓના મુખીયા 'જીઅસ' ની સોના તથા હાથીદાંતમાંથી બનેલ ૪૧ ફુટ ઊંચી અસામાન્ય પ્રતિમા : 'ઓલમ્પિયા' ની શરૂઆત ઇ.સ.પૂર્વે ૭૭૬ માં થઇઃ ઇ.સ. પૂર્વે બીજી સદીમાં રોમન સમ્રાટ નીરોનો જાણવા જેવો રસપ્રદ કિસ્સો

રાજકોટ તા. ર૩ :.. અલગ-અલગ રમતો માટે કાશી ગણાતો અને દુનિયાનો સૌથી મોટો રમતોત્સ્વ ઓલમ્પિક આજથી જાપાનના ટોકયો ખાતે શરૂ થયો છે. કોવિડ ગાઇડ લાઇન્સને અનુસરીને સાદગીપૂર્ણ છતાં પણ જાજરમાન ઉદ્ઘાટન સમારંભ આજે યોજાઇ રહ્યો છે. વિશ્વના ર૦પ જેટલા દેશોના ૧૧ હજાર રમતવીરો પોતાનું કૌવત બનાવવા થનગની રહ્યા છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઓલમ્પિક ફીવર છવાઇ ગયો છે અને રમતપ્રેમીઓને જલ્સા પડી ગયા છે.

આ સાથે - સાથે રમતપ્રેમીઓ તથા લોકોને ઓલમ્પિક વિશે અવનવું પણ જાણવા મળે તો ચોકકસ પણે સોનામાં સુગંધ ભળી જાય. જયાંથી ઓલમ્પિક ખેલની શરૂઆત થઇ તે ગ્રીસમાં પ્રાચીન ઓલમ્પિક માત્ર રમતો નહીં, પરંતુ ધાર્મિક અનુષ્ઠાન પણ હતાં. ગ્રીસમાં ઓલમ્પિકની શરૂઆત પહેલા સદીઓ સુધી 'ઓલમ્પિયા'નું આયોજન થયું હતું. ઓલમ્પિયા તથા ત્યાં રમાતી સ્પોર્ટસ ઇવેન્ટસ હિન્દુ દેવી-દેવતાઓની યાદ અપાવતા ગ્રીસના પ્રાચીન ધર્મનો પરીચય કરાવે છે.

હાલમાં ઓલમ્પિક રમતોત્સવ સતત મિડીયામાં છવાયેલો છે. ઓલમ્પિક ગત વર્ષે જ યોજાવાનો હતો પરંતુ કોરોનાનો કારણે શકય બન્યો ન હતો. કલા, સંસ્કૃતિ તથા પર્યટન વિશેષજ્ઞ તૃપ્તિ પાંડયે પોતાનો એક પ્રવાસ યાદ કરીને હસતા મને જણાવી રહ્યા છે કે વિશાળ સ્ટેડીયમમાં બેસીને ભલે તેઓએ આધુનિક ઓલમ્પિક ન જોયો હોય, પરંતુ પ્રથમ વિદેશ યાત્રા દરમ્યાન તેઓને એવું એક ઐતિહાસિક સ્થળ જોવાનો મોકો મળ્યો કે જયાં (ગ્રીસ) ન માત્ર પ્રથમ ઓલમ્પિક યોજાયો હતો, પરંતુ 'ઓલમ્પિયા' ના રૂપમાં સદીયો સુધી વિવિધ રમતોના આવા આયોજનો થતા હતાં.

દેખીતું છે કે ત્યારે આ રમતોત્સવ આજની જેમ અલગ-અલગ દેશોમાં યોજાતો નહોતો. ઓલમ્પિયા અને ત્યાં યોજાનાર 'રમત મેળો' આપણો પરીચય ગ્રીસના એ પ્રાચીન ધર્મથી કરાવે છે કે જે હિન્દુ દેવી-દેવતાઓની યાદ પણ અપાવે છે. જાણીને આશ્ચર્ય થશે કે પ્રાચીન ઓલમ્પિક ખેલ ત્યાંના લોકો માટે ધાર્મિક અનુષ્ઠાન હતાં.

પ્રકૃતિના પૂજારી પ્રાચીન ગ્રીસના નિવાસીઓ હિન્દુ આસ્થાના પ્રતિક અનેક દેવી-દેવતાઓને માનતા હતા કે જેઓના મુખીયા જીઅસ હતાં. જીઅસને વિજળી તથા વાતાવરણ (મૌસમ) ના દેવતાના રૂપમાં પૂજવામાં આવતા હતાં. આ સાંભળીને ઇન્દ્ર દેવતા અને રોમન દેવતા જયુપીટરની યાદ પણ આવી જાય છે. જીઅસના મંદિરમાં તેની સોના તથા હાથીદાંતમાંથી બનેલી અંદાજે ૪૧ ફુટ ઊંચી ખુરશી ઉપર બિરાજમાન પ્રતિમા પ્રાચીનકાળમાં આશ્ચર્યચકિત કરી દે તેવી હતી.

થોડા પ્રાચીન સિકકા તથા લેખિત દસ્તાવેજી જાણકારી ઉપરથી અનુમાન લગાવી શકાય છે. કારણ કે જે સમયે આ રમતો ઉપર મનાઇ ફરમાવવામાં આવી હતી ત્યારે પ્રતિમા (મૂર્તિ)ને પણ નષ્ટ કરી દેવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ રમતોની શરૂઆત ઇ. સ. પૂર્વે ૭૭૬ માં થઇ હતી અને મનાઇ ઇ. સ. ૩૯૩ (ઇસવી)માં ફરમાવવામાં આવી હતી. આ સમયનો તમામ ઇતિહાસ ગ્રીસના ખંડેરોની વિગતો આપતા ટુરીસ્ટસ ગાઇડ સમજાવતા હોય છે.

એક જાણવા જેવો રસપ્રદ કિસ્સો રોમન સમ્રાટ નીરોથી જોડાયેલ હતો. ઇ. સ. પૂર્વે બીજી સદીમાં પ્રાચીન ગ્રીસને રોમન સામ્રાજયએ પોતાના શાસન હસ્તક લઇ લીધું અને ધીમે ધીમે રમતોની કક્ષા પણ ઘટવા લાગી. હદ તો ત્યાં થઇ કે જયારે નિયમોને એક બાજુ મૂકીને રોમન સમ્રાટ નીરોએ રથદૌડમાં ચારને બદલે દસ ઘોડાવાળા રથને દોડાવ્યો. આથી પણ મોટી વાત તો એ હતી કે ભારેખમ શરીર ધરાવતા સમ્રાટ નીરોએ 'બીચદૌડ' માં પોતે વચ્ચે પડી જવા છતાં પણ પોતાને વિજેતા જાહેર કરાવ્યા. આ માટે નીરો એ હાસ્યાસ્પદ ખુલાસો કરતા કહ્યું હતું કે 'જો પોતે પડયા તે દુર્ઘટના ન બની હોત તો તેઓ જ વિજેતા બન્યા હોત' આ સિવાય પણ ઘણાં રસપ્રદ કિસ્સાઓ તૃપ્તિ પાંડયે દ્વારા સાંભળવામાં આવ્યા હતાં. આવા  નવા-નવા કિસ્સા સાંભળતા-સાંભળતા ઓલમ્પિક રમતોનો પણ અહેસાસ કયારેક થતો હોય છે. જો કે આ માટે ગ્રીસના એ પ્રાચીન ખંડેરો વચ્ચે હોવું જરૂરી છે.

અને છેલ્લે, જાપાનના ટોકયો ઓલમ્પિકમાં ભાગ લેવા ગયેલ આપણાં ભારતીય રમતવીરોને ગોલ્ડમેડલ સહિતના વિવિધ મેડલો માટે હૃદયપૂર્વકની શુભેચ્છા ભારત માતા કી જય, મેરા ભારત મહાન.

(4:06 pm IST)