Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રસીકરણ પાછળ ખર્ચાયા રૂ. ૯૭૨૫ કરોડ

મોદી સરકારે લોકસભાને આપી માહિતીઃ ઓગષ્ટથી ડીસેમ્બર વચ્ચે મળશે ૧૩૫ કરોડ ડોઝ

નવી દિલ્હી, તા. ૨૩ :. કેન્દ્રની મોદી સરકારે કોરોના વિરૂદ્ધ રસીકરણ પર અત્યાર સુધીમાં કુલ રૂ. ૯૭૨૫ કરોડનો ખર્ચ કર્યો છે. આ માહિતી આજે લોકસભામાં સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડો. ભારતી પ્રવિણ પવારે આપી હતી. તેમણે કહ્યુ હતુ કે રસીકરણ કાર્યક્રમ પર અત્યાર સુધીમાં રૂ. ૯૭૨૫.૧૫ કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. જેમા રસીની ખરીદી અને રસીકરણ માટે ટ્રાન્સપોર્ટેશનનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે રસીકરણ ઝડપથી ચાલતુ રહેશે. તેમણે કહ્યુ હતુ કે ઓગષ્ટ ૨૦૨૧થી ડીસેમ્બર સુધી કોરોના વેકસીનના કુલ ૧૩૫ કરોડ ડોઝ ઉપલબ્ધ થાય તેવી શકયતા છે.

તેમણે લોકસભાને જણાવ્યુ હતુ કે ઘરેલુ વેકસીન બનાવતા લોકો સાથે ખરીદી કરવામાં કોઈ વિલંબ નથી થયો. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે ફાયઝરની વેકસીન માટે વાતચીત ચાલુ છે.

ભારતમાં કોરોના વેકસીનની અત્યાર સુધીમાં ૪૨.૩૪ કરોડ ડોઝ લગાવવામાં આવેલ છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૪.૭૬ લાખ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

(4:00 pm IST)