Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજયસભામાં IT મંત્રી પાસેથી કાગળ છીનવી લઈને ફાડવા મુદ્દે TMCના સાંસદને કરાયા સસ્પેન્ડ

શાંતનુ સેન હવે ચોમાસુ સત્રના બાકીના સેશનમાં સદનની કાર્યવાહીમાં ભાગ નહીં લઈ શકે

નવી દિલ્હી, તા.૨૩: રાજયસભામાં કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસેથી કાગળ છીનવી લઈને ફાડનારા ટીએમસીના સાંસદ શાંતનુ સેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. શાંતનુ સેન હવે ચોમાસુ સત્રના બાકીના સેશનમાં સદનની કાર્યવાહીમાં ભાગ નહીં લઈ શકે. સસ્પેન્શન બાદ રાજયસભાના સભાપતિએ તેમને બહાર જવા માટે કહ્યું હતું.

સરકારે શુક્રવારે રાજયસભામાં શાંતનુ સેનને સદનની બાકી કાર્યવાહીમાંથી બહાર રાખવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સભાપતિએ આ પ્રસ્તાવ પર કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ટીએમસી સાંસદ શાંતનુ સેને ગુરૂવારે રાજયસભાની કાર્યવાહી દરમિયાન ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી કાગળ છીનવીને તેને ફાડી નાખ્યો હતો અને હવામાં ફેંકી દીધો હતો. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવ તે સમયે રાજય સભામાં પેગાસસ સોફ્ટવેર દ્વારા જાસુસી કરવા સંબંધી ખબરો અને તે અંગે વિપક્ષના આરોપોને લઈ નિવેદન આપી રહ્યા હતા.

કોણ છે શાંતનુ સેનઃ ગઈકાલથી ચર્ચામાં આવેલા ટીએમસી સાંસદ શાંતનુ સેન વ્યવસાયે ડોકટર છે. ડોકટર શાંતનુ સેન ઈન્ડિયન મેડિકલ અસોસિએશનના પ્રેસિડેન્ટ પણ રહી ચુકયા છે. નોર્થ કોલકાતાના રહેવાસી શાંતનુ એક સમયે કોલકાતામાં ટીએમસીના કાઉન્સિલર હતા.

(3:56 pm IST)