Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પાંચ પૈસાના સિક્કામાં બિરિયાનીની ઓફર દુકાન માલિકને ભારે પડી

ચેન્નઇ,તા. ૨૩ : ડિજિટલ પેમેન્ટ અને રોકડ લેવડદેવડના જમાનામાં ભાગ્યે જ કોઇ એવું વિચારી શકે કે લોકોની પાસે પાંચ પૈસાનો સિક્કો હશે. આવું વિચારીને એક બિરિયાની સ્ટોલના માલિકે તેની દુકાનના પ્રમોશન માટે એક શરતની સાથે નવી ઓફર મુકી કે જે કોઇની પાસે પાંચ પૈસાનો સિક્કો હશે તેને તે મફતમાં બિરિયાની આપવામાં આવશે. પણ આ ઓફર તેના માટે ભારે પડી ગઇ, કેમ કે આગામી દિવસે પાંચ પૈસાના સિક્કા સાથે ૩૦૦ થી વધુ લોકોની ભીડ જમા થઇ ગઇ. સ્થિતી એટલી બેકાબૂ થઇ કે દુકાન માલિકે શટર પાડી પોલીસ બોલાવવી પડી. આને કહેવાય આવ પાણા પગ પર પડ.

આ મામલો તામિલનાડુમાં મદુરાઇનો છે, જ્યા એક વ્યકિતએ સુકન્યા બિરિયાની સ્ટોલ શરૂ કર્યો હતો. દુકાનમાલિકે સ્ટોલના પ્રમોશન માટે સમજી વિચારને એક નવી ઓફર મુકી, પણ એને એ વાતનો અંદાજ નહીં હોય કે એ ઘોષણાથી મોટી બબાલ ઉભી થઇ જશે અને એને લેવાના દેવા પડી જશે.

એની આ ઓફર શહેરમાં પ્રસરતાં આગામી દિવસે બિરિયાની સ્ટોલમાં મફત બિરિયાની માટે સેંકડો લોકોની ભીડ પાંચ પૈસાનો સિક્કો હાથમાં લઇને જમા થઇ. આશરે ૩૦૦થી વધુ લોકો મફત બિરિયાની ખાવા માટે દુકાનની બહાર એકઠા થયા. મફત બિરિયાની ખાવાના ચક્કરમાં લોકો કોરોના વાયરસના નિયમોનું ઉલ્લંઘન કરતા પાંચ પૈસાનો સિક્કો લઇને લાઇનમાં ઉભા રહી ગયા.

દુકાન પાસે મફત બિરિયાની એકત્ર થયેલા લોકો હંગામો કરતા માલિકે પોલીસ બોલાવવી પડી હતી. એ પછી પોલીસે આવીને લોકોને સંભાળ્યા અને ભીડને કોરોનાના નિયમોનું પાલન કરવાના આદેશ આપ્યા. પણ કેટલાક લોકોની એ પણ ફરિયાદ હતી કે પાંચ પૈસા આપ્યા છતા તેમને બિરિયાની નથી મળી.

(11:31 am IST)