Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

જાસુસી મામલે નવો ધડાકો

પેગાસસ જાસુસી : CBIના પૂર્વ ચીફ આલોક વર્માનું નામ પણ છે લીસ્ટમાં : અનિલ અંબાણી ઉપર પણ નજર

નવી દિલ્હી તા. ૨૩ : પેગાસસ સ્પાયવેર વિવાદમાં જાણવા મળ્યું છે કે, ઓકટોબર ૨૦૧૮માં સીબીઆઇ ચીફના પદ પરથી હટાવાયા પછી તત્કાલીન સીબીઆઇ ચીફ આલોક વર્માના ફોન નંબર પણ પેગાસસની સંભાવિત નિગરાણી યાદીમાં ઉમેરી દેવાયું હતું. તે ઉપરાંત, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને દલાઇ લામાના અંગત લોકોની પણ જાસૂસી કરાઇ હતી.

'ધ વાયર' અનુસાર, સીબીઆઇના ભૂતપૂર્વ ચીફ આલોક વર્માને પદ પરથી બરખાસ્ત કર્યાના થોડા કલાકો પછી તેમના ફોન નંબર ઇઝરાયલી સ્પાયવેર પેગાસસની નિગરાણી યાદીમાં ઉમેરી દેવાયું હતું. જો કે નંબરોને સામેલ કરવાનો અર્થ એ નથી થતો કે તેમનો ફોન પેગાસસથી સંક્રમિત હતો. તેની પુષ્ટિ ફકત ફોરેન્સીક વિશ્લેષણ દ્વારા જ થઇ શકે છે. વર્માને સરકાર સાથેના વિવાદ પછી ૨૦૧૮માં કારણ વગર પદ પરથી હટાવી દેવાયા હતા.

તે ઇઝરાયલી કંપની એનએસઓએ કહ્યું છે કે તે પોતાના સ્પાયવેર ફકત સરકારોને જ વેચે છે. તેણે રિપોર્ટોને ખોટા ગણાવીને રદિયો આપ્યો છે.

પેગાસસ જાસૂસી કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની સાથે એડીએ ગ્રુપના એક સીનીયર અધિકારીનો ફોન પણ હેક થવાનો ભય વ્યકત કરાયો છે 'ધ વાયર'નું કહેવું છે કે, જે ફોન નંબરોનો ઉપયોગ અનિલ અંબાણી અને રિલાયન્સ અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (એડીએ) ના એક અન્ય અધિકારીએ કર્યો, તે નવેમ્બરની લીક યાદીમાં સામેલ છે.

(10:44 am IST)