Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

મહારાષ્ટ્ર : વરસાદ અને પુરને કારણે પરિસ્થિતિ ભયંકર : કોંકણમાં ૬૦૦૦ લોકો ફસાયા : મુંબઇ - થાણે - પાલઘરમાં રેડ એલર્ટ

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને પગલે અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે : અનેક જિલ્લાઓ જળમગ્ન બની ગયા છે અને પરિસ્થિતિમાં હજી સુધારો જોવા મળી રહ્યો નથી

મુંબઇ તા. ૨૩ : ચોમાસાની સિઝને મહારાષ્ટ્રમાં આફત લઈને આવી છે. રાજયના અનેક વિસ્તારોમાં વરસાદને પગલે અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.રાજયના ઘણા જિલ્લાઓ જળમગ્ન બની ગયા છે અને પરિસ્થિતિમાં હજી સુધારો જોવા મળી રહ્યો નથી. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે કોંકણ દરિયાકાંઠે રેડ અને ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.

મહારાષ્ટ્રના થાણે પાલઘર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. પાલઘરમાં વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત નીપજયાં છે, જયારે પાલઘર-થાણેમાં અવિરત વરસાદને કારણે પરિવહન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે.મહારાષ્ટ્રના કલાઈ ગામમાં ભૂસ્ખલનને કારણે અનેક લોકો ફસાયા છે. બધે પાણીનો ભરાવ હોવાને કારણે સ્થાનિક વહીવટીતંત્રને અહીં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં મહાદમાં ફસાયેલા લોકોને બચાવવા સેનાની મદદ પણ લેવી પડી હતી.

મહારાષ્ટ્રના રાયગગઢમાં જુદા જુદા સ્થળોએ આવેલા ભૂસ્ખલનને કારણે ઘણા લોકો ફસાયા છે, જેમાંથી ૧૫ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને ૩૦ લોકો હજી પણ ફસાયેલા છે.

(11:35 am IST)