Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અમેરિકાના એડિસન ન્યુજર્સીમાં સ્થપાશે વૈશ્નવોના ચાર ધામઃ બદ્રીનાથ,રંગનાથ, જગન્નાથ તથા દ્વારિકા ધામની પ્રતિકૃતિ સ્થાપિત કરાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુવા વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગોસ્વામી ૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રીની સર્વાધ્યક્ષતામાં 'પુષ્ટિ પરિવાર યુ.એસ.એ.'ના તત્વાધાનમાં ૨૫મી જુનથી  જુલાઇ ૧,૨૦૧૯ સુધી ઉમિયાધામ એડિસન, ન્યુજર્સીમાં અતિ દિવ્ય શ્રી યમુનાજીના ૪૧ પદ રસપાન તેમજ શ્રી યમુનાજીના સ્વરૃપ પૂજનનનો મનોરથ અતિ દિવ્યતા અને ભવ્યતા સાથે ઉજવાયો. જેમાં વૈષ્ણવાચાર્ય શ્રી યદુનાથજી મહોદયશ્રીએ પોતાની દિવ્ય અને અલૌકિક વાણીથી શ્રી યમુનાજીના નામ, રૃપ,લીલા અને ગુણોનું વર્ણન કર્યુ હતું. જેના શ્રવણથી સમસ્ત વૈષ્ણવ સમાજ મંત્રમુગ્ધ બની ગયો હતો. ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ઉપસ્થિત રહીને આ દિવ્ય ઉત્સવ માણ્યો હતો.

આ આયોજન દરમ્યાન સ્થાનિક વૈષ્ણવો દ્વારા વારંવાર કરવામાં આવતી વિનંતીને માન આપીને  વૈશ્ણવાચાર્ય શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી (કડી.અમદાવાદ)ના આશિર્વાદથી પૂ.વૈષ્ણવાચાર્ય શ્રી યદુનાથજી મહોદયશ્રીએ એડિસન, ન્યુજર્સીના આસપાસના વિસ્તારમાં વિશ્વના સૌ પ્રથમ ''વિશ્વ વૈષ્ણવધામ''નું નિર્માણ કરવાની ઘોષણા કરી હતી. જેની વધાઇ  મળતા સર્વે વૈષ્ણવોએ જયજયકાર અને આંખોમાં હર્ષના આસુ સાથે ધન્યતાનો અનુભવ કર્યો હતો.

વિશ્વનું આ એકમાત્ર એવું ધામ હશે કે જેમાં શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ઉપરાંત વૈષ્ણવોના ચાર ધામ બદ્રિનાથ, રંગનાથ ધામ, જગન્નાથ ધામ અને દ્વારિકા ધામની પ્રતિકૃતિ સ્થાપિત કરવામાં આવશે અને અત્રે દર્શન કરીને ચાર ધામની યાત્રાનું ફળ વૈષ્ણવોને પ્રાપ્ત થશે.

વિશેષ માહિતી માટે શ્રી જયેશ લાલીવાલા (૭૩૨)૮૪૧-૯૧૮૪ દ્વારા સંપર્ક સાધવા શ્રી નિતીનભાઇ ગજજરની યાદી જણાવે છે.

(7:04 pm IST)