Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

આંધ્રપ્રદેશમાં હવે નોકરીઓમાં સ્થાનિકોને 75 ટકા અનામત મળશે :જગનમોહન રેડ્ડીનો મોટો નિર્ણંય

જગનમોહને ચૂંટણી વાયદો નિભાવ્યો :વિધાનસભામાં એક્ટ પસાર :કંપનીઓને 3 વર્ષમાં 75 ટકા સ્થાનિકોને નોકરી આપવી પડશે

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ સત્તા હાંસલ કરતા જ મોટા દાવપેચ લગાવવાનું શરૂ કર્યું છે. જગન સરકારે સોમવારના રોજ વિધાનસભામાં આંધ્ર પ્રદેશ એમ્પલોયમેન્ટ ઑફ લોકલ કેન્ડિડેટ ઇન ઇન્ડસ્ટ્રીઝ / ફેક્ટરીઝ એક્ટ 2019ને પસાર કર્યું છે.

જેના હેઠળ હવે આંધ્રપ્રદેશમાં લાગનાર તમામ પ્રકારના ઔદ્યોગિક યુનિટ, ફેક્ટરીઝ, સંયુક્ત ઉદ્યોગ સહિત પબ્લિક- પ્રાઇવેટ પાર્ટનરશીપમાં ચાલતા તમામ પ્રોજેક્ટ્સમાં 75 ટકા નોકરી સ્થાનિકોને આપવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

નવા એક્ટ મુજબ કંપનીઓને 3 વર્ષમાં 75 ટકા સ્થાનિક લોકોને નોકરી આપવાનું કાર્ય કરવું પડશે. આ સિવાય કંપનીએએ સ્થાનિક લોકોને નોકરી આપ્યાનો પ્રગતિ રિપોર્ટ દર ત્રીજા માસે નોડલ અધિકારી સમક્ષ રજૂ કરવાનો રહેશે

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક 75 ટકા નોકરીમાં આરક્ષણ આપનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. જગન સરકારે કહ્યું કે, આ એક્ટ પસાર થવાથી સ્થાનિક લોકોને મદદ મળશે. ખાસ કરીને તે લોકોનો જેમણે ઉદ્યોગ માટે પોતાની જમીન આપી છે અને બેરોજગાર છે. સાથે જ નવા કાયદામાં કહેવામાં આવ્યું છે કે, જો કંપનીને તેમની આવશ્યકતા મુજબ સ્થાનિક સ્તર પર પ્રશિક્ષિત યુવાનો નથી મળતા તેઓને પ્રશિક્ષણ આપીને નોકરી લાયક બનાવામાં આવે.

આપને જણાવી દઇએ કે, વિધાનસભા ચૂંટણી પહેલા વાઇએસઆર પ્રમુખ જગન મોહન રેડ્ડીએ પોતાની પ્રદેશવ્યાપી પદયાત્રા દરમિયાન આંધ્રપ્રદેશના સ્થાનિક લોકોને નોકરી આપવાનો વાયદો કર્યો હતો. હવે સત્તા હાંસલ કરતા જ જગન મોહન રેડ્ડીએ પોતાના વાયદાને નિભાવ્યો છે.

(4:55 pm IST)