Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

કર્ણાટક સંકટ

બાગી ધારાસભ્યોએ સ્પીકર સામે રજુ થવા ૪ સપ્તાહનો સમય માંગ્યો

બેંગલુરુ, તા.૨૩: કર્ણાટક વિધાનસભામાં છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વાસ મત પર ચાલી રહેલ વિવાદની વચ્ચે સ્પીકરે બાગી ધારાસભ્યોને મંગળવારે સવારે ૧૧ વાગ્યે રજૂ થવાનું કહ્યું હતું. આ મામલે મુંબઈમાં રોકાયેલા બાગી ધારાસભ્યોએ તેમની પાસેથી ચાર સપ્તાહમાં રજૂ થવાનો સમય માંગ્યો છે. બાગી ધારાસભ્યોના પત્ર પર પ્રતિક્રિયા આપતા સ્પીકર કે.આર. રમેશ કુમારે કહ્યું કે, આ કોર્ટની કાર્યવાહી સાથે જોડાયેલ મામલો છે. કોર્ટની અંદર તેનો નિર્ણય થશે. જયારે રમેશ કુમારને પૂછ્યું કે, તમે સત્તાધારી પાર્ટીને બહુમત સાબિત કરવા માટે જાણી જોઈને વધુ સમય આપી રહ્યા છો, તો તેના જવાબમાં તેઓ બોલ્યા કે, હું તેમનો આભાર કહેવા માંગુ છું. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, તેમને સદબુદ્ઘિ આપે.

આ પહેલા સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મત પર પૂરતી ચર્ચા થઈ શકી ન હતી. સદનમાં હંગામાની વચ્ચે કાર્યવાહી મંગળવારે સવારે ૧૦ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામા આવી. જોકે, સ્પીકરે મંગળવારે સાંજે છ વાગ્યે વિશ્વાસ મત પર નિર્ણયની વાત કહી હતી. તે પહેલા આજે સાંજે ચાર વાગ્યા સુધી વિશ્વાસ મત પર ચર્ચા સમાપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ વચ્ચે જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનને આશા છે કે, મંગળવારે સુપ્રીમ કોર્ટમાં તેમની અરજી પર સુનવણી સંભવ છે. પાર્ટી વ્હીપ જાહેર કરવાના સંબંધમાં કોંગ્રેસે અરજી દાખલ કરી છે. આ પર પાર્ટીને આશા છે કે, કોર્ટ મંગળવારે સ્પષ્ટીકરણ આપશે. તો બીજી તરફ વિપક્ષે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, બધુ જ પહેલેથી નક્કી કરેલા આધાર પર સદનમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, ભાજપને હજી પણ આશા છે કે, સત્ત્।ારુઢ ગઠબંધન નંબરના ખેલમાં પાછળ રહી જશે. બીજેપી નેતા શોભા કરાંજલેએ કહ્યું કે, સત્તારુઢ ગઠબંધનની પાસે સંખ્યાબળ નથી. તેમની સરકાર અલ્પમતમાં છે. બાગી ધારાસભ્યો મુંબઈમાં છે. તેઓ બેંગલુરુ આવવા નથી માંગતા. ત્યારે જોઈએ કે, મંગળવારે સાંજે શું થાય છે. અમને પૂરતો ભરોસો છે કે, સરકાર પડી જશે. આ જનતાની સરકાર નથી, લોકો તેમનાથી નારાજ છે. ધારાસભ્યો નારાજ છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ કે.આર રમેશ કુમારે વિધાનસભાની સદસ્યતાથી રાજીનામુ સોંપી ચૂકેલા કોંગ્રેસના બાગી ૧૨ ધારાસભ્યોને સુનવણી માટે સમન મોકલ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ વ્હીપનો ઉલ્લંઘન કરનારા આ ધારાસભ્યોને અયોગ્ય વ્યકત કરાવવા વિધાનસભા અધ્યક્ષને નોટિસ મોકલી છે. વિધાનસભા અધ્યક્ષના સચિવ એમ.કે. વિશાલક્ષ્મીએ એક નિવેદનમાં કહ્યું કે, કોંગ્રેસના તમામ ૧૨ બાગી ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા જવાના નિયમ અંતર્ગત નોટિસ મોકલવામાં આવે.

(3:30 pm IST)