Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભારત અણુ હથિયારો છોડે તો પાકિસ્તાન પણ તૈયાર

ઈમરાનની સુફિયાણી વાતો : અમેરિકા વિશ્વનો તાકતવર દેશ છે, ભારત - પાક વચ્ચે મધ્યસ્થી કરી શકે તેમ છે : પાકિસ્તાની વડાપ્રધાન

વોશિંગ્ટન : પોતાની પહેલી અધિકારીક મુસાફરી પર અમેરિકા ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, તેઓ પરમાણુ હથિયારોને છોડવા માટે તૈયાર છે. ફોકસ ન્યૂઝને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન પરમાણુ શકિતઓને છોડવા માટે તૈયાર છે. પરંતુ તેના માટે તેમણે એક શરત પણ રાખી છે. ઈમરાન ખાને કહ્યું કે, જો ભારત પરમાણુ હથિયાર છોડવાનો વાયદો કરશે, તો જ પાકિસ્તાન પણ આવું કરવા માટે તૈયાર રહેશે.

ઈન્ટરવ્યૂમાં જયારે ઈમરાનને પૂછવામાં આવ્યું કે, શુ ભારત પરમાણુ હથિયારને છોડવા માટે તૈયાર થશે, શું પાકિસ્તાન પણ આવું કરશે. ઈમરાન ખાને જવાબ આપ્યો કે, હા, કેમ કે પરમાણુ યુદ્ઘ કોઈ વિકલ્પ નથી. ભારત અને પાકિસ્તાનની વચ્ચે પરમાણુ યુદ્ઘની વાત કરવી આત્મદ્યાતી છે, કારણ કે, અમારી સંયુકત સીમા ૨૫૦૦ માઈલ લાંબી છે.

ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિ પર વાત કરતા ઈમરાન ખાને કહ્યું કે, આ વર્ષે ફેબ્રુઆરી બાદ કેટલીક એવી ઘટનાઓ બની, જેનાથી બંને દેશોની સીમા પર ફરીથી તણાવ વધી ગયો છે. ઈમરાને કહ્યું કે, અમેરિકા દુનિયાનો સૌથી તાકાતવાર દેશ છે અને ભારત તથા પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થા કરી શકે છે અને મુદ્દો માત્ર કાશ્મીર જ છે. આગળ બોલતા ઈમરાન ખાને કહ્યું કે, ગત ૭૦ વર્ષોમાં ભારત અને પાકિસ્તાન એક સભ્ય પાડોશીની જેમ રહી શકયા નથી, જેનું એકમાત્ર કારણ કાશ્મીર છે.

(1:14 pm IST)