Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રાજકોટ સેન્ટ્રલ GST દ્વારા GSTના રૂપીયા ૪૬ કરોડના ટેક્ષની ચોરીના આક્ષેપ સબબ ધરપકડ કરવામાં આવેલ સંદીપ ચનીયારાની જામીન અરજી ફગાવી દીધી

ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એસ.વી. મન્સુરીએ ચુકાદામાં કહ્યું કે આરોપીએ રૂપીયા માતબર રકમની ટેક્ષ ચોરી કરેલ હોવાનો આક્ષેપ છેઃ આવુ કૃત્ય દેશના અર્થતંત્ર પર માઠી અસર પહોંચાડે છે

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ ખાતે સેન્ટ્રલ જીએસટી હેડ કવાર્ટર તરફથી જીએસટીના બોગસ બીલીંગ અને ખોટી ઇનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કરવા માટે ઇન્વેસ્ટીગેશન કર્યુ તો એવુ બહાર આવ્યુ કે મે. ચનીયારા બુલીયન લી.ના ડારયકેટર અને આવી બીજી ૬ થી ૯ પેઢીઓનો પડદા પાછળ રહીને વહીવટ કરતાં સંદીપ ચનીયારાનું નામ બહાર આવ્યુ અને સેન્ટ્રલ જીએસટી દ્વારા ધરપકડ કરીને એવો આરોપ લગાવવામાં આવેલ કે જુદી જુદી પેઢીઓના નામે રૂ. રપ૯ કરોડના ફ્રોડયુલન્ટ ટ્રાન્જેકશન્સ કરીને સરકારી તીજોરીને રૂ. ૪૬,૬૪,૮ર,૭૦૩ ના જીએસટીના ટેક્ષની ચોરી કરવામાં આવેલ છે અને આ આરોપ સબબ સંદીપ ચનીયારાની ધરપકડ કરીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ.

જે સામે આરોપી સંદીપ ચનીયારાએ રાજકોટની ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં જામીન અરજી કરેલ અને એવુ જણાવેલ કે તેમને ખોટી રીતે સંડોવવામાં આવેલ છે અને તેમણે કોઇ ગુનો કરેલ નથી અને જામીન  ઉપર છોડવાની વિનંતી કરવામાં આવેલ હતી.

જયારે સેન્ટ્રલ જીએસટી તરફથી રાજકોટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટશ્રીની કોર્ટમાં લેખીત વાંધાઓ રજૂ કરીને જામીન અરજીનો વિરોધ કરીને એવી રજૂઆત કરવામાં આવેલ કે સંદીપ ચનીયારાએ રેકર્ડ ઉપર આઠ થી નવ પેઢીઓ જુદા - જુદા વેપારીઓના નામે ખોલી છે અને આ બધી પેઢીઓના મુખ્ય સુત્રધાર સંદીપ ચનીયારા છે.

આ બધા પાસેથી બેંકમાં ખાતા ખોલાવવા માટે 'કેવાયસી' ના દસ્તાવેજો લઇને બેંક ખાતા ખોલાવેલ અને ત્યારબાદ આ બધી પેઢીઓના 'જીએસટી' રજીસ્ટ્રેશન પણ લેવામાં આવેલ અને આમ સેન્ટ્રલ જીએસટી એકટની કલમ-૧૬ (ર) તથા કલમ-૧૩ર (૧) (આઇ) તથા ૧૩ર (૧) (બી) (સી) તથા કલમ-૧૩પ (પ) પ્રમાણે ગુનાહીત કૃત્યો

કમલ-૧૩૨ની જુદી-જુદી પેટા કલમો પ્રમાણે જે વ્યકિતઓ માલ સપ્લાય કર્યા વગર ફકત બીલ જ બનાવે અને ખોટી રીતે ઇનપુટ ટેકસ ક્રેડિટનો લાભ લ્યે તેવા લોકો તથા પેઢીઓએ ગુન્હાપાત્ર કાર્ય કરેલ છે અને આવા ટેક્ષ ક્રેડીટના રૂપીયા પાંચ કરોડ કરતા વધારે રકમની ઇનપુટ ટેક્ષ ક્રેડિટ લીધી હોય તો કાયદામાં ૫ વર્ષની જેલની સજાની જોગવાઇ છે.

સંદીપ ચનીયારા તેમજ તેની સાથે મળીને આવુ કૃત્ય કરનારાના સેન્ટ્રલ GSTના કાયદાની જોગવાઇ મુજબ  નીવેદનો લેવામાં આવેલા હતા અને આ બધા નીવેદનોમાં ગુન્હો કબુલ કરેલ અને માલ સપ્લાય કર્યા વગર કેવી રીતે ફોડ કરીને જુઠા બીલો વગેરે ઉભા કરેલ છે તેવુ પણ કબુલ કરેલ છે. આ ગુન્હાઓના અનુસંધાને આરોપી સામે કાયદેસર પગલા લેવા માટે સેન્ટ્રલ GST હેડકવાર્ટર રાજકોટ કમીશ્નરશ્રીએ લેખીત મંજુરી પણ આપેલ.

જામીન અરજીનો વિરોધ કરવા માટે એવી પણ રજુઆત કરવામાં આવેલ કે સંદીપ ચનીયારા સામે હજી તપાસ ચાલુ છે અને તેમની સાથે સંકળાયેલ વ્યકિતઓ/પેઢીઓના નીવેદનો પણ હજુ લેવાના છે. જો સંદીપ ચનીયારાને આ તબકકે જામીન ઉપર છોડવામાં આવે તો તેઓ રેકર્ડ સાથે ચેડા પણ કરે તથા અન્ય જે લોકો આવા કૌભાંડમાં સંડોવાયેલ છે. તેઓની હજુ ધરપકડ કરવાની બાકી છે તેમના ઉપર પણ પોતે લાગવગ લગાવી દબાણ કરે.

સેન્ટ્રલ GST ના સ્પેશ્યલ પબ્લીક પ્રોસેકયુટર શ્રી નરેશ સીનરોજા મારફત જામીન અરજીનો વિરોધ કરવા માટે આરોપીઓના નીવેદનો પણ કોર્ટમાં રજુ કરવામાં આવેલા. તેમજ આ અંગે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો પણ રજુ કરવામાં આવેલ હતો.

બન્ને પક્ષોની દલીલ સાંભળીને તેમજ અદાલતમાં રજુ થયેલ રેકર્ડ ધ્યાને લઇને રાજકોટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી દ્વારા ટુંકમાં એવુ તારણ આપવામાં આવેલ કેઃ ''આ કામના આરોપી સામે સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વીસ ટેકસ ડીપાર્ટમેન્ટ એકટ, ૨૦૧૭ની કલમ ૧૩૨(૧)(બી),૧૩૨ (૧)(સી) મુજબના ગુન્હાવો આક્ષેપ છે. કલમ ૧૩૨ની જોગવાઇ જોવામાં આવે તો જયારે ૫૦૦ લાખ રૂપીયા કરતાં વધારે કરની ચોરી કરવામાં આવેલ હોય ત્યારે પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઇ છે અને કલમ ૧૩૨(૫)મુજબ આવો ગુન્હો કોગ્નીઝેબલ અને બીનજામીનલાયક છે. આ કામે હાલના આરોપી સામે રૂપીયા ૪૬ કરોડની કર ચોરી એટલે કે રૂપીયા પાંચ કરોડ કરતા વધારે કર ચોરીનો આક્ષેપ છે. જે જોતાં આરોપી સામે બીનજામીનલાયક ગુન્હાનો આક્ષેપ છે. વધુમાં આરોપી સામે તપાસ ચાલુ છે. આ કામે ફરીયાદ પક્ષે વીમલભાઇ જેન્તીભાઇ વિરૂધ્ધ સ્ટેટ ઓફ ગુજરાત નામદાર ગુજરાત હાઇકોર્ટની ક્રિમીનલ મીસેલીનીયસ એપ્લીકેશન નં.૨૩૫૨૮/૧૮નો ચુકાદો રજુ કરવામાં આવેલ છે. જેમાં  પણ તપાસ પુરી થયા બાદ જ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવેલ. હાલના કેસમાં આરોપી સામે તપાસ ચાલુ હોય આ તબકકે મારી વીવેકાધીન સતાનો ઉપયોગ કરવો ઉચીત જણાતુ નથી તેમજ આ કામે આરોપી સામે થયેલ આક્ષેપો જોવામાં આવે તો આરોપીએ રૂપીયા ૪૬ કરોડ જેટલી માતબર રકમની ચોરી કરેલ હોવાનો આક્ષેપ છે. તે જોતાં આરોપીનું આવુ કૃત્ય દેશના અર્થતંત્ર પર બહુ જ માઠી અસર પાડી શકે તેવી શકયતા છે અને જ આવા ગંભીર ગુન્હામાં આરોપીને જામીન આપવામાં આવે તો સમાજમાં આવા પ્રકારના ગુન્હા વધવાની શકયતા રહેલી છે અને તે દેશના અર્થતંત્રને માઠી અસર પહોંચાડી શકે તેમ છે તે સંજોગોમાં આરોપીને જામીન પર મુકત કરવા ઉચિત જણાતું નથી.''

અને આમ છેવટે રાજકોટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી એસ.વી.મન્સુરીએ આરોપી સંદીપ મગનલાલ ચનીયારાની જામીન અરજી નામંજુર કરેલ છે.

આ કામમાં ભારત સરકારના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર નરેશ સીનરોજાએ સેન્ટ્રલ GST વતી હાજર રહીને દલીલો કરેલ.

નિરૂભાઇ સિનરોજા

(મો.૯૮૨૫૦ ૭૬૫૭૫)

(1:13 pm IST)