Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ભાજપે સભ્ય નોંધણી પદ્ધતિમાં ફેરફાર કર્યો

ગયા વર્ષે ૪૦ લાખ બોગસ સભ્યો નોંધાયેલ

નવી દિલ્હી, તા. ૨૩ : ગુજરાતમાં દોઢ કરોડથી વધુ લોકોના ફોન નંબર, સરનામુ, જ્ઞાતિ સહિતની માહિતી ભાજપે સભ્ય નોંધણી ઝુંબેશના નામે એકઠી કરવાનું શરૃં કર્યું છે. જેનો ઉપયોગ સોશિયલ મિડિયામાં ભાજપનો પ્રચાર કરવા માટે વોટ્સ એપ ગૃપ બનાવવા કરવામાં આવી શકે છે. ચોક્કસ નંબર પર ફોન કરવાથી ઓનલાઈન ફોર્મ આવશે, તે ભરીને ૧૧ ઓગસ્ટ સુધી મોકલવાનું કહેવામાં આવે છે. ભૂતકાળમાં ભાજપે દેશમાં ૧૧ કરોડ અને ગુજરાતમાં ૧.૧૩ કરોડ સભ્યો મીસ્ડ કોલ દ્વારા નોંધેલા હતા. જેમાં ઘણા બોગસ સભ્યો હતા. આ વખતે તેવું ન થાય તે માટે પદ્ઘતિ બદલવામાં આવી છે.

૨૦૧૫માં ભાજપે મિસ્ડ કોલ પધ્ધતિથી ૧.૧૩ કરોડ સભ્યો નોંધ્યા હતા. જેમાં એક જ વ્યકિતએ એકથી વધુ ફોનથી મિસકોલ કરીને સભ્યો થયા. પણ તેમાં ફરીથી ચકાસણી કરાતાં ૪૩ લાખ સભ્યો બોગસ હોવાનું બહાર આવ્યું હતું. ખરાઈ કરવામાં આ વિગતો બહાર આવી હતી. આમ ભાજપના નેતાઓએ પોતાનો હોદ્દો જાળવી રાખવા માટે બોગસ સભ્યો નોંધેલા હતા.

બાકી રહેતાં ૭૦ લાખ સભ્યો પણ શંકાના ઘેરામાં હતા. કારણ કે નેતાઓએ દરેક ઘરે ફરીને જે ભાજપના સભ્ય બનવા માંગતા ન હતા તેમને પણ સભ્યો બનાવી દીધા હતા. આવી સંખ્યા પણ ૪૦ ટકાથી વધુ હતી. ૨૮થી ૩૦ લાખ સભ્યો બોગસ હોવાની શકયતા છે. તેથી કુલ સભ્યો ૫૦ લાખથી વધુ થતાં ન હોવાનું ખુદ ભાજપના નેતાઓ માની રહ્યાં છે.

અગાઉની સભ્ય નોંધણીમાં ગરબડો થતાં આ વખતે તેની પ્રક્રિયા બદલવામાં આવી છે. જેમાં સભ્ય બનનારનો ફોટો આવે છે. તેથી ખરેખર કેટલા સભ્યો છે તે જાણી શકાશે. જો બનાવટ બંધ કરવામાં આવે તો ૪૦ લાખ સભ્યોના ફોટો સાથે નોંધણી થશે. કોઈની પાસે સ્માર્ટ ફોન ન હોય તો તેમને એસએમએસ દ્વારા સભ્ય બનાવાય છે. રૂબરૂ જઈને ફોર્મ ભરીને સભ્ય બની શકે છે, ફોર્મની માહિતી કાર્યકરો કાર્યાલયમાં ઓનલાઈન ભરી દેશે. પણ ઓન લાઈન ફોર્મ ભરવામાં મોટી છેતરપીંડી થવાની શકયતા છે. એક જ ફોનમાંથી ૪ વ્યકિત ભાજપની સભ્ય બની શકે છે. જેમાં ઘણું ખોટું થઈ શકે છે તેમ મનાય છે.

(1:11 pm IST)