Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ગ્રાહક અદાલતનો ફેંસલો

બેંકની ભુલથી ચેક ખોવાય તો ગ્રાહકને ચુકવવી પડશે રકમ

ચેક બાઉન્સના મામલે પણ આ ફેંસલો લાગુ પડશે

નવી દિલ્હી તા ૨૩  : ઉચ્ચ ગ્રાહક અદાલતે એક કેસનો ચુકાદો આપતા કહ્યું કે, બેંકમાં જમા કરાવવામાં આવેલ ચેક ગુમ થાય તો બેંકે ગ્રાહકને રકમ ચુકવવી પડશે, સાથે જ બાઉન્સ થઇ ચુકેલા ચેકના કેસમાં પણ આ ચુકાદો લાગુ થશે. નેશનલ કંઝયુમર ડીસ્પ્યુટસ રીડ્રેસલ કમીશને બેંક ઓફ બરોડા (બીઓબી) ને હુકમ કર્યો કે તે ગુજરાતના રહેવાસીને ત્રણ લાખથી વધારે ચુકવી આપે. વ્યકિતની તરફેણમાં અપાયેલ ૩.૬ લાખનો ચેક બેંકથી ખોવાઇ ગયો હતો. આ ચેક બાંઉન્સ પણ થઇ ચુકયો હતો.

ઉચ્ચ ગ્રાહક અદાલતે કહ્યું  કે, બાઉન્સ થયેલો ચેક ખોઇ નાખ્યો એટલુંજ નહી, ફરીયાદી ચિત્રોડીઆ બાબુજી દિવાનજીને ચેક રિટર્ન      મેમો પણ ન આપ્યો. ફરીયાદીએ તેના માટે લાંબા સમય સુધી બેંકને કહયું હતું. આના કારણે તેને ૩.૬ લાખનું નુકશાન થયું હતું.

એન.સી.ડી.આર.સી. એ કહયું કે ફરીયાદીએ  લાંબા સમય સુધી બેંકને બાઉન્સ ચેક અને ચેક રીટર્ન મેમો પરત આપવાનો આગ્રહ કર્યો હતો પણ  કમનસીબે ચેક ખોવાઇ ગયો હતો, તેમને ન તો બાઉન્સ ચેક પાછો મળ્યો, ન ૩.૬ લાખની રકમ મળી. વિવાદાસ્પદ ચેક બેંક દ્વારા ગુમ થયો હોવાથી, તેની નુકશાની ભરપાઇ કરવાની જવાબદારી બેંકની છે.

એન.સી.ડી.આર.સી.એ બેંક વિરૂધ્ધ અપાયેલ ગુજરાત રાજય ગ્રાહક પંચના ચુકાદાને યોગ્ય ગણાવીને આ ચુકાદાને પડકારતી બેંકની અરજીને રદ કરી હતી. રાજય ગ્રાહક પંચે જીલ્લા ગ્રાહક ફોરમના ચુકાદાને રદ કરીને ૨૦ જાન્યુઆરી ૨૦૧૬ ના રોજ ચિત્રોડીયાની તરફેણમાં ચુકાદો આપતા બેંકે તેમને ૩.૬ લાખ રૂપિયા ચુકવી આપવાનો આદેશ આપ્યો હતો.

(12:01 pm IST)