Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ચેક બાઉન્સ કેસ

અભિનેત્રી કોયના મિત્રાને ૬ માસની જેલ

મુંબઈ, તા.૨૩: ચેક બાઉન્સિંગના કેસમાં કોર્ટે બોલીવૂડની અભિનેત્રી કોયના મિત્રાને દોષી ઠેરવી છ મહિનાની સજા ફટકારી હતી.

૬ જુલાઈના રોજ આપેલા ચુકાદામાં અંધેરી મેટ્રોપોલિટન કોર્ટનાં મેજિસ્ટ્રેટ કેતકી ચવ્હાણે આ કેસની ફરિયાદી મોડેલ પૂનમ સેઠીને ૪.૬૪ લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ પણ મિત્રાને આપ્યો હતો.

આ કેસની સુનાવણી ૨૦૧૩થી હાથ ધરાઈ હતી. મિત્રાએ સમયાંતરે સેઠી પાસેથી ૨૨ લાખ રૂપિયા ઉછીના લીધા હતા, પરંતુ પૂરી રકમ ચૂકવવામાં તે નિષ્ફળ ગઈ હતી.

કોર્ટના આદેશ અનુસાર લોનની રકમ ચૂકવવા માટે મિત્રાએ સેઠીને ત્રણ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, પરંતુ એ ચેક વટયા વિના બેન્કમાંથી પાછો ફર્યો હતો.

ચેક પાછો ફરતાં સેઠીએ ૧૯ જુલાઈ, ૨૦૧૩ના રોજ મિત્રાને લિગલ નોટિસ મોકલાવી હતી. નોટિસ બાદ પણ મિત્રાએ રૂપિયા ન ચૂકવતાં સેઠીએ ૧૦ ઓકટોબર, ૨૦૧૩ના રોજ કોર્ટમાં કેસ કર્યો હતો.

કોયના મિત્રાએ કોર્ટમાં પોતે દોષી ન હોવાથી ખટલાનો સામનો કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

સુનાવણી દરમિયાન અભિનેત્રીના વકીલે અન્ય બાબતો સહિત એવી દલીલ કરી હતી કે સેઠી 'સ્મોલ ટાઈપ' મોડેલ હતી તે ૨૨ લાખ રૂપિયા ઉછીના આપી શકવાની ક્ષમતા ધરાવતી નહોતી. સેઠી ગેરકાયદે મની લોન્ડિંગનો વ્યવસાય ચલાવતી હોવાનો આક્ષેપ પણ અભિનેત્રીના વકીલે કર્યો હતો. જોકે તેમની દલીલોને કોર્ટે ફગાવી દીધી હતી.

૨૦૧૨-૧૩માં સેઠીએ મોડેલિંગ માટે પ્રોડકશન હાઉસીસ સાથે કોઈ મોટા સર્વિસ કોન્ટ્રાકટ કર્યા નહોતા, ફકત એટલા કારણોસર તેને આરોપી કરતાં નાની મોડેલ ગણાવી શકાય નહીં. આરોપી ૨૦૧૨-૧૩ પહેલાં પણ જાણીતી ફિલ્મ કલાકાર હતી એટલા કારણોસર પૂનમ આટલી મોટી ફ્રેન્ડલી લોન આરોપીને આપવા સક્ષમ ન હોઈ, એવું કહી શકાય નહીં, એવું કોર્ટે જણાવ્યું હતું. સેઠીને વળતરની રકમ ચૂકવવામાં મિત્રા નિષ્ફળ જાય તો તેને વધુ ત્રણ મહિનાની જેલની સજા થઈ શકે છે, એવું મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું.

કોયના મિત્રાએ મુસાફીર, એક ખિલાડી એક હસીના અને અપના સપના મની મની જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

(12:00 pm IST)