Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

કાશ્મીર પ્રશ્ને મધ્યસ્થી

ટ્રમ્પ બોલી ફસાયાઃ ઘરઆંગણે જ માછલા ધોવાયાઃ જુઠ્ઠાણાની પોલ ખુલી

અમેરિકી કોંગ્રેસમેને ટ્રમ્પના દાવાને ''અપરિપકવ અને શરમજનક'' ગણાવ્યોઃ ભારતે મધ્યસ્થતા નામંજુરઃ મામલો દ્વીપક્ષીય છે

નવી દિલ્હી તા.૨૩: પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાન સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત દરમ્યાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની ઓફર કરી છે. ઇમરાન ખાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો તો ટ્રમ્પે કહ્યું કે તે મધ્યસ્થતા કરવા તૈયાર છે. સાથેજ તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને મધ્યસ્થતા કરવા કહ્યું હતુ જો કે ટ્રમ્પ આ બયાન આપીને જાતે જ ફસાઇ ગયા હતા કેમકે પહેલા ભારતે તેમના બયાનને ખોટું જણાવ્યું અને પછી કેટલાય અમેરિકન સાંસદોએ પણ ટ્રમ્પની ટીકા કરી હતી.

વ્હાઇટ હાઉસની ઓવેલ ઓફીસમાં ઇમરાનની સાથે જયારે ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે તેમણે કાશ્મીર મુદ્દા પર પણ વાત કરી ટ્રમ્પે કહ્યું, ''હું વડાપ્રધાન મોદીને બે અઠવાડીયા પહેલા મળ્યો ત્યારે અમે આ મુદ્દે વાત કરી હતી. તેમણે મને પુછયુ હતુ કે તમે આમાં મધ્યસ્થતા કરશો મે કહ્યું શેમાં તો તેમણે (મોદી કહ્યું કે કાશ્મીર મુદ્દે. તેમણે (મોદી) કહ્યું કે ઘણા વર્ષોથી આ વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાન પણ આનો હલ ઇચ્છે છે અને તમે પણ તેનો હલ લાવવા ઇચ્છો છો. મેં કહ્યું કે મને આ મુદ્દે મધ્યસ્થી કરવામાં ખુશી મળશે.''

ગઇકાલે  મોડી રાત્રે ટ્રમ્પનું કાશ્મીર અંગે બયાન આવતા બબાલ થઇ ગઇ, જેનો ભારતે પણ મુંહતોડ જવાબ આપ્યો. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે મોડીરાત્રે ટવીટ કરીને લખ્યું કે ભારતે કયારેય આવી પેરવી નથી કરી.

તેમણે ટવીટર પર લખ્યું કે, ''અમે અમેરિકાના રાષ્ટ્રપતિની ટીપ્પણી જોઇ કે જો ભારત અને પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર અનુરોધ કરશે તો તે મધ્યસ્થતા કરવા તૈયાર છે. વડાપ્રધાન મોદીએ કયારેય ટ્રમ્પએ આવો કોઇ અનુરોધ નથી કર્યો ભારત પોતાના વલણ પર અડગ છે.

ટ્રમ્પના કાશ્મીર પર અપાયેલા બયાન પછી જે વિવાદ થયો તેના તરત પછી અમેરિકન વિદેશ મંત્રાલય સક્રિય થઇ ગયું વિદેશ મંત્રાલયે એક બયાન બહાર પાડીને કહ્યું કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. અમેરિકા ઇચ્છે છે કે બંન્ને દેશો  એક ટેબલ પર આવીને આ મુદ્દે વાત કરે. જો બંન્ને દેશો આ મુદ્દે વાતચીત કરશે તો ટ્રમ્પ પ્રશાસન તેનું સ્વાગત કરશે અને મદદ માટે તૈયાર છે. બન્ને દેશો વચ્ચેની તંગદિલી ઘટે અને વાતચીત માટે અનુકૂળ વાતાવરણ બનાવે તેવા પ્રયત્નોને અમે ટેકો આપશું.

એક તરફ અમેરિકન વિદેશ મંત્રાલયે બયાન બહાર પાડીને ચોખવટ કરી તો બીજીબાજુ ટ્રમ્પે પોતાના દેશમાં જ  આ બયાન પર ટીકાનો સામનો કરવો પડ્યો. રિપબ્લીકન પાર્ટીના સાંસદ બ્રેડ શેરમેને ટ્વીટ કર્યુ કે જે કોઇ દક્ષિણ એશિયાની વિદેશ નીતિ અંગે થોડુ પણ જાણે છે તેને ખબર જ છે કે ભારત કાશ્મીર મામલે સતત ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો વિરોધ  કરતું રહ્યું છે બધા જાણે છે કે વડાપ્રધાન મોદી આવી વાત કયારેય ન કરે. ટ્રમ્પનું બયાન ખોટું અને શરમજનક છે. એટલું જ નહી તેમણે ટ્વીટ કરીને અમેરીકામાં ભારતના રાજદુત હર્ષ શ્રંગલાની માફી પણ માંગી હતી.

(11:43 am IST)