Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પ૦ દિવસમાં ઇન્વેસ્ટરોના ૧ર લાખ કરોડ ડુબ્યા

મોદી સરકારની બીજી ઇનીંગથી શેરબજાર નિરાશઃ સેન્સેકસમાં ર૦૦૦ પોઇન્ટનું ગાબડુઃ ૩ દિવસમાં જ રૂ. ૪ લાખ કરોડનું ધોવાણઃ હેવીવેઇટ શેર્સમાં ભારે વેંચવાલી

મુંબઇ તા. ર૩ :.. કેન્દ્રમાં મોદી સરકાર ફરી એક વાર ચૂંટાઇ આવતાં શેરબજારમાં મોટી તેજી થવાની રોકાણકારોને આશા હતી, પરંતુ વાસ્તવીકતા એ છે કે મોદીએ શપથ લીધા એ પછીનાં પ૦ દિવસમાં શેરબજારમાં મંદી આવી છે અને રોકાણકારોએ રૂ. ૧ર લાખ કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. જો કે આ માટે બજેટની કેટલીક જોગવાઇ અને વૈશ્વિક પરિસ્થિતિઓ પણ કારણભૂત છે.

વૈશ્વિક બજારના નબળા સંકેત સાથે એચડીએફસી ટિવન્સ અને એફએમસીજી શેરોમાં ભારે વેચવાલીથી આશરે બે મહિનાના નીચા સ્તરે પટકાયો હતો. ૧૮ જૂલાઇ પછીના ત્રણ ટ્રેડીંગ સેશનમાં સેન્સેકસમાં ૧,૧૮૪.૧પ પોઇન્ટસ (૩.૦પ ટકા)નો તીવ્ર ઘટાડો થયો છે. આ સાથે ૩ દિવસમાં રોકાણકારોની રૂ. ૪ લાખ કરોડની સંપતિનું ધોવાણ થયું છે. સેન્સેકસ ૩૦પ.૮૮ પોઇન્ટસ અથવા ૦.૮૦ ટકા ગબડીને ૩૮,૦૩૧.૧૩ ના ૧૭ મે પછીના સૌથી નીચા સ્તરે બંધ આવ્યો હતો.

નિફટી પણ ૮ર.૧૦ પોઇન્ટસ (૦.૭ર ટકા) ઘટીને ૧૧,૩૩૭.૧પ ના બે મહિનાના નીચા સ્તરે બંધ આવ્યો હતો. ગુરૂવારથી નિફટીમાં ૩.૦૩ ટકા ૩પ૦ પોઇન્ટસ (૩.૦૩ ટકા) નો ઘટાડો થયો છે. ટ્રેડર્સના જણાવ્યા અનુસાર વિદેશી ફંડસની સતત વેચવાલી અને રૂપિયાના મુલ્યમં ઘટાડાની રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર થઇ હતી.

સેન્સેકસના શેરોમાં એચડીએફસી અને એચડીએફસી બેન્ક સૌથી વધુ અનુક્રમે પ.૦૯ ટકા અને ૩.૩ર ટકા ઘટયા હતાં. ઉલ્લેખનીય છે કે, એચડીએફસી બેન્કે શનિવારે જાહેર કરેલા પરિણામમાં એનપીએ વધી હતી અને લોનની વૃધ્ધિમાં થોડો ઘટાડો નોંધાયો હતો.

લોકસભાની ચૂંટણીનાં પરિણામો અપેક્ષા કરતા સારા આવતા બજારો વધ્યાં હતાં અને  ૩ જી જૂનનાં રોજ સેન્સેકસ ૪૦ હજારની ઉપર પહોંચ્યો હતો. જયારે બોમ્બે સ્ટોક એકસચેન્જની માર્કેટ કેપ રૂ. ૧પ૬ લાખ કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી હતી. જે સોમવારે ઘટીને રૂ. ૧૪૪.૩૦ લાખ કરોડની સપાટીએ પહોંચી ગઇ હતી. આમ રોકાણકારોએ કુલ રૂ. ૧૧.૭૦ લાખ કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. સેન્સેકસ સોમવારે ૩૦પ પોઇન્ટ ઘટીને ૩૮૦૩૧ ની સપાટી પર બંધ રહ્યો હતો. શેરબજારમાં રોકાણકારોએ બજેટ બાદ પણ રૂ. ૬ લાખ કરોડ ગુમાવ્યા છે.

બીએસઇમાં ૧૦ માંથી નવ શેરો ઘટયાં છે, જયારે ૬૦ ટકાથી પણ વધુ સ્ટોક ૧૦ ટકાથી પણ વધુ તુટયાં છે. જયારે ૮૦૩ કંપનીઓનાં શેરમાં ર૦ ટકાનો ઘટાડો થયો છે. શેરબજારમાં હાલ ર૬૬૪ કંપનીઓ લીસ્ટેડ છે, જેમાં ટ્રેડીંગ થાય છે.

શેરબજારનાં એનાલીસ્ટો કહે છે કે, મોદી સરકાર દ્વારા સુપરરીચેસ્ટ લોકો ઉપર ટેકસ વધારવામાં આવતા અને લીસ્ટેડ કંપનીઓમાં પબ્લિક હોલ્ડિંગની મર્યાદા રપ ટકાથી વધારીને ૩પ ટકા કરવાની દરખાસ્ત કરવામાં આવી હોવાથી તેની નેગેટીવ અસર બજાર ઉપર જોવા મળી હતી. જેને પગલે શેરબજારમાં વેચવાલી આવી હતી.

ઇન્ડિયા બુલ્સ વેન્ચર્સનાં એનાલીસ્ટે જણાવ્યું હતું ે સરકાર દ્વારા એફપીઆઇ, એચએનઆઇ અને યુએચએનઆઇ ઉપર લાદવામાાં આવેલા ટેકસ ન જોગવાઇમાં સરકાર દ્વારા કોઇ જ ફેરફાર કરવાની સંભાવના નથી તેવા અહેવાલને પગલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો હાલ વેચવાલ બન્યા છે. પરિણામે શેરબજારમાં ઝડપથી ઘટાડો આવ્યો છે.

વિદેશી સંસ્થાઓએ ચાલુ મહિનામાં જ શેરબજારમાં કુલ રૂ. ૭૭૧ર કરોડની નેટ વેચવાલી કરી છે, જયારે જૂનમાં માત્ર રૂ. રપ૯પ કરોડ જ નાખ્ય હતાં., જે મે મહિનામાં રૂ. ૭૯૧૯ કરોડનું રોકાણ કર્યુ હતું. આમ વિદેશી ફંડોની વેચવાલી સતત વધી હતી.

શેરબજારમાં આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઇ આર્થિક નિર્ણયોમાં ફેરફાર કરવામાં આવે અને તેની પોઝીટીવ અસર થાય તો જ બજારમાં સુધારો આવી શકે તેમ છે, એ સિવાય સરેરાશ શેરબજારો હમણાં અથડાય રહે તેવી ધારણા છે.

(11:40 am IST)