Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વાલ્મિકી સમાજ પર ટિપ્પણી મામલે સુનાવણી મુલ્તવી થઇ

સલમાનના કેસમાં બે સપ્તાહ બાદ સુનાવણી : એફઆઈઆરને રદ કરવાની સલમાન દ્વારા માંગ કરાઇ

નવીદિલ્હી,તા. ૨૩ : વાલ્મિકી સમાજ ઉપર વાંધાજનક ટિપ્પણી કરવાના મામલામાં અભિનેતા સલમાન ખાનની અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી ગઈ હતી. સીજેઆઈ દિપક મિશ્રાના નેતૃત્વમાં બેંચે રાજસ્થાન સરકારને આ મામલામાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે બે સપ્તાહનો સમય માંગવામાં આવ્યા બાદ સમય આપવામાં આવ્યો હતો. વાલ્મિકી સમાજને લઇને વાંધાજનક ટિપ્પણી કરાયા બાદ સલમાન મુશ્કેલીમાં છે. રાજસ્થાન સરકારે પોતાનો જવાબ રજૂ કરવા માટે બે સપ્તાહનો સમય માંગ્યો હતો. ત્યારબાદ આ મામલાની સુનાવણી બે સપ્તાહ સુધી ટાળી દેવામાં આવી છે. હવે બે સપ્તાહ બાદ આ મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સલમાન ખાને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી ઉપર એફઆઈઆરને રદ કરવાની માંગ કરી છે અને સાથે સાથે એવી માંગ પણ કરી છે કે, તમામ રાજ્ય સરકારોની પોલીસને એવો આદેશ આપવામાં આવ્યો કે તેમની સામે આ મામલા સાથે સંબંધિત કોઇપણ ફરિયાદ અથવા તો એફિડેવિટ દાખલ કરવામાં ન આવે. અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સલમાનની સામે એસસી અને એસટી એક્ટ હેઠળ રાજસ્થાન સહિત છ રાજ્યોમાં ચાલી રહેલા કેસ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. કોર્ટે આ મામલા સાથે જોડાયેલી ફરિયાદો અને રાજ્યો પાસેથી જવાબની માંગ કરી હતી. સલમાન પર આક્ષેપ છે કે, ફિલ્મ ટાઇગર જિંદા હેના પ્રમોશન દરમિયાન પોતાના એક ડાન્સ સ્ટેપના સંદર્ભમાં વાત કરીને આ સમુદાયના સંદર્ભમાં વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ આ મામલામાં સલમાન ઉપર દેશના છ જુદા જુદા રાજ્યોમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. વાલ્મિકી સમાજે સલમાનની ટિપ્પણીને વાંધાજનક ગણાવીને છ જુદા જુદા રાજ્યોમાં કેસ દાખલ કર્યા હતા. પ્રમોશન દરમિાયન દબંગ એટલે કે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીના વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો જેમાં બંને વાતચીત કરતા નજરે પડ્યા હતા. વાલ્મિકી સમાજની સામે જાતિવાદી સુચનો કરતા નજરે પડ્યા હતા. આ ઇન્ટરવ્યુમાં સલમાન ખાન ઉપર વાલ્મિકી સમાજની મજાક કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આને લઇને કેટલાક શહેરોમાં સલમાન ખાન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ફિલ્મ ટાઇગર જિંદા હૈની સામે પણ દેખાવો કરવામાં આવ્યા હતા. વાલ્મિકી સમાજની એવી દલીલ હતી કે, જાહેરમાં ખોટા શબ્દોનો ઉપયોગ કરવાથી સમાજની ભાવનાઓને નુકસાન થાય છે.

(7:25 pm IST)