Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૨૨૨ પોઇન્ટ ઉછળીને બંધ

અનેક હકારાત્મક પરિબળોની અસર જોવા મળી : સેંસેક્સ કારોબારના અંતે ૩૬૭૧૯ની ઉંચી સપાટી ઉપર બંધ રહ્યો : નિફ્ટીમાં પણ નોંધાયેલો ઉલ્લેખનીય ઉછાળો

મુંબઇ,તા. ૨૩ : શેરબજારમાં આજે હકારાત્મક રાજકીય પરિબળોની સ્થિતિ વચ્ચે સેંસેક્સ અને નિફ્ટી બંને ઉંચી સપાટીએ બંધ રહ્યા હતા. એક વખતે ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ઇન્ડેક્સે ૩૬૭૫૦ની ઓલટાઈમ હાઈ ઉંચી સપાટી મેળવી હતી. જો કે, અંતે સેંસેક્સ ૨૨૨ પોઇન્ટ ઉછળીને ૩૬૭૧૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી ૭૫ પોઇન્ટ ઉછલીને ૧૧૦૮૫ની સપાટીએ રહ્યો હતો. સવારમાં તેજી સાથે કારોબારની શરૂઆત થઇ હતી. જીએસટી કાઉન્સિલની બેઠકમાં શનિવારના દિવસે લેવામાં આવેલા નિર્ણયની અસર જોવા મળી હતી. આઈટીસીના શેરમાં ૩.૮૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. એફએમસીજી અને નિફ્ટી પીએસયુ બેંકમાં ૨.૫૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. મેટલ ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. આઈટીસી ઉપરાંત વેદાંતા, અદાણી પોર્ટ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિમાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ ૩૧૦.૨૭ કરોડના શેર ખરીદી લીધા છે.  ત્રિમાસિક ગાળાના પરિણામ પણ હવે જારી કરવામાં આવનાર છે. હિન્દુસ્તાન ઝીંક, એશિયન પેઇન્ટ્સ દ્વારા મંગળવારના દિવસે પરિણામ જાહેર કરવામં આવનાર છે જ્યારે ભેલ, કેનેરા બેંક, એચસીએલ ઇન્ફો સિસ્ટમ, હિરો મોટો અને પીવીઆર દ્વારા બુધવારના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આવી જ રીતે ટેલિકોમની મહાકાય કંપની ભારતી એરટેલ, બાયોકોન, આઈટીસી, મારુતિ સુઝુકી, તાતા પાવર, તાતા કોફી, યશ બેંક દ્વારા ગુરુવારના દિવસે જૂન મહિનાના ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. બેંક ઓફ બરોડા, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, એમ એન્ડ એમ ફાઇનાન્સ દ્વારા શુક્રવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનરા છે. કારોબારમાં ઉથલપાથલ રહી શકે છે. કારણ કે, વેપારીઓ એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં સ્થિતિને લઇને ગણતરી કરી રહ્યા છે. જુલાઈ એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટની અવધિ ગુરુવારના દિવસે પુરી થઇ રહી છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં શનિવારના દિવસે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં અનેક પ્રોડક્ટ ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વસ્તુઓ પર ટેક્સના રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જે ચીજવસ્તુઓ ઉપર ટેક્સ સ્લેબ ઘટાડવામાં આવ્યા હતા તેમાં પેઇન્ટ્સ, લેધરની ચીજવસ્તુઓ, સ્ટોવ, ટેલિવિઝન, વોશિંગ મશીનનો સમાવેશ થાય છે. આ તમામ ઉપર રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો હતો. સેનેટરી નેપકિનને ટેક્સમુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. પેટ્રોલ સાથે સંબંધિત ઇથેનોલ ઉપર રેટને પણ ઘટાડવામાં આવ્યો હતો. ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર અને ફર્ટિલાઇઝર ગ્રેડ ફોસ્ફોરિક એસિડ પર ટેક્સ રેટને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ ઉડી બાદ તેની પણ અસર બજારમાં જોવા મળી શકે છે. અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં શુક્રવારે ૧૨૬ અને વિરુદ્ધમાં ૩૨૫ મત પડ્યા હતા. ઉપરાંત ઈસીબી પોલિસીની બેઠક, યુએસ જીડીપીના ડેટાની અસર પણ જોવા મળી શકે છે. મોનસુનમાં પ્રગતિ, ગ્લોબલ માર્કેટમાં પ્રવાહ, ટ્રેડવોરને લઇને તંગદિલી, વિદેશી મૂડીરોકાણકારો દ્વારા રોકાણ, ક્રૂડ ઓઇલની કિંમત જેવા અન્ય પરિબળો પણ જોવા મળી શકે છે.

તેજીની સાથે સાથે.......

*    શેરબજારમાં હકારાત્મક પરિબળોની સીધી અસર રહી

*    સેંસેક્સ અને નિફ્ટી બંને ઉંચી સપાટીએ બંધ

*    સેંસેક્સ ૨૨૨ પોઇન્ટ ઉછળીને ૩૬૭૧૯ની ઉંચી સપાટીએ બંધ રહ્યો

*    નિફ્ટી ૭૫ પોઇન્ટ ઉછળીને ૧૧૦૮૫ની સપાટીએ

*    ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન સેંસેક્સે ઓલટાઈમ હાઈ સપાટી મેળવી હતી

*    જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયની અસર રહી

*    આરબીઆઈની બેઠકમાં તમામ પાસા પર ચર્ચા કરાશે

*    નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૨.૫૦ ટકાનો વધારો નોંધાયો

(7:23 pm IST)