Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

યુનિફોર્મમમાં સાધ્વી પાસે મેડિટેશન કરાવવા ગયેલા દિલ્હીના SHO ઇન્‍દ્રપાલની બદલીઃ સોશ્યલ મીડિયામાં ફોટો વાયરલ થયા બાદ કાર્યવાહી

નવી દિલ્હીઃ દિલ્હીના જનકપુરીના SHO ઇન્‍દ્રપાલ યુનિફોર્મમાં સાધ્વી પાસે મેડિટેશન કરાવવા જતા તેની સામે કાર્યવાહી કરીને તેમની બદલી કરી નાખવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર જનકપુરીના SHO ઈન્દ્રપાલનો એક ફોટો વાયરલ થયા પછી તેમની બદલી કરવામાં આવી. આ ફોટોમાં તે એક સાધ્વીની ઓફિસમાં છે અને યૂનિફોર્મમાં છે. સાધ્વીએ તેમના માથા પર હાથ મુકેલો છે.

DCP(west) વિજય કુમારનું કહેવુ છે કે, પ્રાથમિક તપાસમાં SHOએ જણાવ્યું કે તે ડ્યુટીના ટેન્શનને કારણે મેડિટેશન કરવા ગયા હતા. સાધ્વી તેમના માથા પર હાથ મુકીને મેડિટેશન કરાવી રહ્યા હતા. જો કે ડિપાર્ટમેન્ટને યૂનિફોર્મમાં સાધ્વી પાસે જવા સામે વિરોધ છે, માટે તપાસ શરુ કરી દેવામાં આવી છે. ફોટો વાયરલ થયા પછી SHOની બદલી પોલીસ લાઈન્સમાં કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર લોકો આ ફોટો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમુક લોકો તેને મેડિટેશન જણાવી રહ્યા છે તો અમુક આશીર્વાદ. અમુક લોકો માલિશનો આરોપ લગાવી રહ્યા છે, જો કે પોલીસ અધિકારીઓએ માલિશ વાળી વાત ફગાવી છે.

ઉલ્લેખનીય છે કે SHO લગભગ એક અઠવાડિયા પહેલા ઉત્તમનગર સ્થિત સાધ્વીની ઓફિસમાં ગયા હતા. તેમણે કહ્યું કે તે અત્યંત સ્ટ્રેસમાં હતા, માટે મેડિટેશન માટે ત્યાં ગયા હતા. ઉલ્લેખનીય છે કે, જે સાધ્વી સાથેના ફોટોને કારણે SHO વિવાદમાં સપડાયા છે, તેમની સાથે અન્ય બીજા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સાંસદોના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે.

(5:56 pm IST)