Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

બીલ ન ચુકવાય તો મૃતદેહ સોંપવાનો ઇન્કાર કરી ન શકે હોસ્પિટલઃ દવા ખરીદી માટે દબાણ પણ કરી ન શકે

પ્રાઇવેટ હોસ્પિટલોની દાદાગીરી ઉપર લગામ મૂકશે દિલ્હી સરકાર

નવી દિલ્હી, તા.૨૩: પ્રાઇવેટ હોસ્પિટલોમાં દવાની વધારે કિંમતોથી માંડીને બીલમાં થતી ગરબડ રોકવાના ઇરાદે દિલ્હી સરકારે ૯ સભ્યોની એક એક્ષપોર્ટ કમીટી બનાવીને તેના રીપોર્ટના આધારે એક ડ્રાફટ એડવાઇઝરી જાહેર કરી હતી. સરકારને તેના ઉપર ઘણા બધા સુચનો મળ્યા છે અને નફો પ૦ ટકાથી પણ ઓછો રાખવાની માંગણી થઇ રહી છે.

એડવાઇઝરીમાં કહેવાયું હતું કે દવાઓની ખરીદ કિંમત પર પ૦ ટકાથી વધુ નફો ન લેવાવો જોઇએ પણ સરકારને મળેલા સુચનોમાં પ૦ ટકા નફાને ઘટાડવાની માંગ કરાઇ છે. આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે સરકાર બધા સુચનો પર વિચાર કરી રહી છે અને આવતા ૧૦ થી ૧પ દિવસોમાં એડવાઇઝરી પર નિર્ણય લઇ લેવાશે. ત્યારપછી ફાઇનલ નોટીફીકેશન બહાર પડશે. સામાન્ય માણસો માટે ફરીયાદ નંબર પણ જાહેર કરાશે જેના પર નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલોની ફરીયાદ કરી શકાશે.

જાણકારી પ્રમાણે, સરકારને ઔદ્યોગીક સંસ્થાઓ અને હોસ્પિટલો તરફથી પણ સુચનો મળ્યા છે કે એમ આર પી ઉપર દવા વેચવાની મંજુરી આપવામાં આવે. પણ સરકારનું કહેવું છે ૨ રૂપિયાના ગ્લોઝની એમઆરપી પ૦ રૂપિયા દેખાડાયા છે. અને કન્ઝયુમેબલ અથવા ડીસ્પોઝેબલ વસ્તુઓ ૧૦૦ રૂપિયાની હોય તો એમઆરપી ૩૦૦૦ છાપેલી હોય છે. એટલે એમઆરપી પર આવી ચીજો વેચવાની માંગ કોઇ પણ સંજોગોમાં ન માની શકાય. સુત્રોનું કહેવું છે કે નફાનું ધોરણ પ૦ ટકાથી પણ ઓછુ રાખવામાં આવશે.

લેબરમાં થતા ટેસ્ટની મર્યાદા માટે જલ્દી નિર્ણય લેવાશે. સરકારે એક સબ કમીટી બનાવી છે જે ફકત ટેસ્ટના ભાવ બાબતે ભલામણો કરશે. સબ કમીટી જુદી જુદી લેબોરેટરી અને હોસ્પિટલોમાં થતા ટેસ્ટના ભાવનો અભ્યાસ કરશે અને પછી કહેશે કે કયા ટેસ્ટ માટે વધુમાં વધુ કેટલો ચાર્જ લઇ શકાય.

શું છે ડ્રાફટ એડવાઇઝરી માં?

કેન્દ્ર સરકારના નેશનલ લીસ્ટ ઓફ એસેન્શીઅલ મેડીસીનમાં સામેલ દવાઓના ભાવ નકકી હોય છે. જો તેના સિવાયની દવા લેવાની જરૂર પડે તો તેની ખરીદ કિંમત પર પ૦ ટકાથી વધારે નફો નહીં લઇ શકાય. પ૦ ટકા નફો અથવા એમઆરપી બે માંથી જે ઓછુ હોય તેટલું જ બીલ લઇ શકાશે.

* પ્રાઇવેટ હોસ્પિટલો પોતાને ત્યાંથી જ દવા ખરીદવાનું નહીં કહી શકે.

* જો એક સર્જરી પછી બીજી સર્જરીની  જરૂર પડે તો બીજી સર્જરી માટે પ૦ ટકા જ ચાર્જ લઇ શકાશે. આ ઉપરાંત ઘણી હોસ્પિટલો હાઇ રીસ્ક પેકેજ આપે છે તો આવા પેકેજનો ભાવ નોર્મલ પેકેજથી વધુમાં વધુ ૨૦ ટકા વધારે લઇ શકાશે. એટલે કે નોર્મલ પેકેજ ૧ લાખનું હોય તો હાઇ રીસ્ક પેકેજ ૧ લાખ ૨૦ હજાર સુધીનું જ થઇ શકશે. ત્યારબાદ સારવારમાં ગમે તે ખર્ચ થાય, ૧ લાખ ૨૦ હજારથી વધારે ચાજે નહીં લઇ શકાય.

* બીલની ચુકવણી ન થઇ હોય તેવી પરિસ્થિતીમાં હોસ્પિટલો લાશ સોંપવાની ના નહીં પાડી શકે.

* ઇમરજંસીમાં તાત્કાલીક ઇલાજ કરવો પડશે.

(3:35 pm IST)