Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

PMના 'ન્યુ ઇન્ડિયા'માં માનવતાને બદલે નફરતની બોલબાલા

રાજસ્થાનના અલ્વરમાં કથિત ગૌરક્ષો દ્વારા ધોલાઇથી એક વ્યકિતના મોતના ઘેરા પડઘા : રાહુલનો સીધો મોદી પર પ્રહાર : અલ્વર મોબ લિંચિંગના મામલે સંસદમાં હોબાળો : રાજસ્થાન પોલીસની કાર્યવાહી ઉપર આરોપોનો મારો

નવી દિલ્હી તા. ૨૩ : રાજસ્થાનના અલવરમાં એક ૩૧ વર્ષના યુવક રકબરની કથિત ગૌરક્ષકોના ટોળા દ્વારા માર મારીને હત્યા મામલે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ન્યુઝ રીપોર્ટને શેર કરીને રાજસ્થાન પોલીસ પર સવાલ ઉઠાવીને પીએમ મોદી પર તીખો હુમલો કર્યો છે. વિપક્ષે સંસદમાં પણ અલવર મોબ લિંચિંગનો મુદ્દો ઉઠાવ્યો અને કેન્દ્ર પર હુમલો કર્યો.

કોંગ્રેસ અધ્યક્ષે ટ્વિટ કર્યું કે, અલવરમાં પોલીસવાળાઓએ મોબ લિંચિંગના શિકાર રકબર ખાનને અંદાજે ૬ કિ.મી. સુધી હોસ્પિટલ પહોંચાડવામાં ૩ કલાક લગાડયા જ્યારે પીડિત મરણ પથારીએ હતો, કેમ ? તેઓએ રસ્તામાં ટી-બ્રેક પણ લીધો તે મોદીનું ક્રૂર 'ન્યુઝ ઇન્ડિયા' છે. જ્યાં માનવતાની જગ્યાએ નફરતે લઇ લીધી છે અને લોકોને કચળી નાખ્યા છે અને મરવા માટે છોડી દીધા છે.  બીજી બાજુ રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયાએ તે મીડિયા રીપોર્ટસનું સંજ્ઞાન લીધું છે. જેમાં અલવર પોલીસની ઘોર બેદરકારીની વાત કહેવામાં આવી છે. કટારિયાએ કહ્યું, 'કેટલાક મીડિયા રીપોર્ટના જણાવ્યા મુજબ પોલીસે પીડિતને હોસ્પિટલ પહોંચાડવામાં મોડું કર્યું. અમે આ સુચનાઓની સત્યતા તપાસી રહ્યા છીએ અને જો તે સત્ય માહિતી હશે તો તેના માટે જવાબદાર લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.'

લોકસભામાં કોંગ્રેસના તેના મલ્લિકાર્જુન ખડગેએ પણ અલવર મોબ લિંચિંગ અંગે મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ખડગેએ કહ્યું કે, સરકાર દેશમાં આ પ્રકારની ઘટનાઓને પ્રોત્સાહિત કરી રહી છે. તેઓએ કહ્યું કે, સરકાર ઇચ્છતી નથી કે દેશમાં સ્થિતિ સુધરે.

(3:33 pm IST)