Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મરાઠા આરક્ષણ માટે આંદોલન કરનારા પર ફૂટયો ફડણવીસનો ગુસ્સે

અષાઢી એકાદશીની મહાપૂજામાં જવાનું મુખ્ય પ્રધાને કેન્સલ કર્યુઃ કહ્યું કે મને તો કોઇ કંઇ કરી નહીં શકે, પણ અન્ય ભાવિકોની સુરક્ષા માટે નથી જતોઃ પંઢરપુરમાં સાપ છોડીને લોકોમાં ગભરાટ ફેલાવનારા શિવાજી મહારાજના અનુયાયીઓ હોઇ જ શકે નહીં

મુંબઇ તા. ર૩ :.. મરાઠા અરિક્ષણ માટે આંદોલન કરી રહેલા સંગઠનોએ આપેલી ધમકીને પગલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પંઢપુરના વિઠોબાની અષાઢી એકાદશીના દિવસે થનારી પરંપરાગત પૂજામાં ન જવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લીધા બાદ આંદોલન કરનારાઓ પર તેમનો ગુસ્સો ભભૂકી ઉઠયો હતો.

દર વર્ષે અષાઢી એકાદશીના દિવસે પંઢપુરના વિઠોબાની પહેલી મહાપૂજાનું માન રાજયના મુખ્ય પ્રધાનનું હોય છે અને છેલ્લા ૭૦ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ મહાપૂજા માટે જતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વખતે સુરક્ષા-એજન્સીઓ દ્વારા મળેલી સલાહને પગલે આ મહાપૂજામાં હાજર ન રહેવાનો નિર્ણય લીધો હતો.

દેવેન્દ્ર ફડણસીએ કહયું હતું કે 'મરાઠા આરક્ષણની માગણી માટે દબાણ લાવવા અમુક સંગઠનોએ ભાવિકોને બાનમાં પકડવાનું કામ કર્યુ છે. પોતાની માગણીઓ માટે ભાવિકોને ટાર્ગેટ કરવાનું કૃત્ય મોટી ભૂલ છે. સુરક્ષા-એજન્સીઓએ કેટલાક સંદેશોને આંતર્યા છે અને એમાંથી એવી માહિતી મળી છેકે પંઢરપુરના વિઠ્ઠલ મંદિર પાસે એકઠી થયેલી ભીડમાં સાપ છોડીને નાસભાગ જેવી સ્થિતિ સર્જવાની યોજના ઘડવામાં આવી રહી છે. આવું કૃત્ય કરનારાઓ શિવાજી મહારાજના અનુયાયી હોઇ જ ન શકે.'

રાજયના મુખ્ય પ્રધાન તરીકે મારી પાસે ઝેડ પ્લસ સુરક્ષા છે. એમ જણાવીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે 'વિઠ્ઠલની પૂજા કરવાથી મને કોઇ જ રોકી ન શકે, પરંતુ ૧૦ લાખ ભાવિકોના જીવ જોખમમાં મુકાવાની શકયતા હોવાથી પૂજામાં ન જવાનો નિર્ણય મેં લીધો છે. મારા વિઠ્ઠલની હું ઘરે જ પૂજા કરીશ.'મારા પર પથ્થરમારો કરીને જો આરક્ષણ મળે તો હું તૈયાર છું એમ જણાવતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે 'આજે જ મરાઠા' સમાજને આરક્ષણ આપવું શકય નથી. કારણ કે આ પ્રશ્ન અત્યારે કોર્ટમાં હોવાથી કોર્ટ જ આ એ ઉકેલશે.'

(12:02 pm IST)