Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અલવરમાં વધુ એક લિંચિંગની ઘટના

રાજસ્થાનની પોલિસે પહેલા ગાયોને બચાવી, પછી લિંચિંગનો ભોગ બનેલાને હોસ્પિટલ લઇ જવાયો

અલવર તા. ૨૩ : શુક્રવારના રોજ રાજસ્થાનના અલવરમાં ફરી એકવાર એક વ્યકિત લિંચિંગનો શિકાર બન્યો હતો. પરંતુ અહીં જોવાની વાત એ છે કે, લિંચિંગની ઘટના બની ત્યાંથી માત્ર ૬ કિલોમીટર દૂર રામગઢમાં આવેલી હોસ્પિટલ કમ્યુનિટી હેલ્થ સેન્ટર(CHC) સુધી પીડિત રકબર ખાનને લઈ જવામાં અલવર પોલીસને ૩ કલાક લાગ્યા.

 

શુક્રવારે રાતે કથિત ગોરક્ષકો દ્વારા ૩૧ વર્ષીય રકબર ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે રકબર ખાનને સારવાર માટે હોસ્પિટલ જવાને બદલે રકબર ખાન પાસેથી રિકવર કરવામાં આવેલી બે ગાયોને ગૌશાળા પહોંચાડવાને વધારે મહત્વ આપ્યું. પોલીસ સૌથી પહેલા ગાયોને ૧૦ કિલોમીટર દૂર આવેલી ગૌશાળામાં લઈ ગઈ અને પછી રકબર ખાનને CHC લઈ જવામાં આવ્યો.

CHC OPD રજિસ્ટર અનુસાર, રકબર ખાનને ચાર વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. FIR અનુસાર પોલીસને આ હુમલા વિશે ગૌરક્ષક નવલ કિશોર શર્મા દ્વારા ૧૨.૪૧ વાગ્યે જાણ કરવામાં આવી હતી. રામગઢ પોલીસે કહ્યું કે તેમની ટીમ ૧૫ મીનીટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ રવિવારના રોજ પોલીસ ખુલાસો ન આપી શકી કે તેમને હોસ્પિટલ પહોંચવામાં આટલો બધો સમય કેમ લાગ્યો. જો કે FIRમાં લખવામાં આવ્યુ છે કે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રકબર ખાનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેકટર મોહન સિંહ દ્વારા રજિસ્ટર કરવામાં આવેલી જ્ત્ય્ અનુસાર, પીડિતની ઓળખ રકબર ખાન તરીકે થઈ છે. તેના પિતાનું નામ સુલેમાન ખાન છે અને તે મેવાતના કોળ ગામનો વતની છે. OPD રજિસ્ટર અનુસાર, પોલીસ અજાણ્યા શખ્સને ૪ વાગ્યે હોસ્પિટલ લાવી હતી. શનિવારના રોજ CHCના ડ્યુટી ઓફિસર ડોકટર હસન અલી જણાવે છે કે, પોલીસ તેને સવારે ૪ વાગ્યે હોસ્પિટલ લાવી હતી અને ત્યારે તે મૃત્યુ પામ્યો હતો.

'ગૌરક્ષક' નવલ કિશોર શર્માનો દાવો છે કે, પોલીસ ત્યાં પહોંચી અને પછી તરત પોલીસ સ્ટેશન પાછી જતી રહી હતી અને તે પોતે જૈન સુધા સાગર ગૌશાળા જતો રહ્યો હતો. જો કે FIRમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, પોલીસ જયારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમણે અમુક લોકોને ત્યાંથી ભાગતા જોયા. પોલીસ ઓફિસર્સની વાતોમાં મેળ નથી જોવા મળતો.

લાલવાડી ગામ જયાં લિંચિંગની ઘટના બની હતી ત્યાંના લોકો કહે છે કે, તેમણે તે વિસ્તારમાં પોલીસની જીપને લગભગ ૧ વાગ્યે જોઈ હતી. તાજેતરમાં જ અલવરના લ્ભ્ તરીકે નીમવામાં આવેલા રાજેન્દ્ર સિંહે જણાવ્યું કે, રકબરને હોસ્પિટલ પહોંચાડવામાં મોડું કરવામાં આવ્યું તે વાત તેમના ધ્યાનમાં આવી છે. અને તેમણે ઘટનાની તપાસ શરુ કરી દીધી છે અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.

જૈન સુધા સાગર ગૌશાળાના કેરટેકરે જણાવ્યું કે રાતે ૩ વાગ્યે ગાયોને ત્યાં લાવવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે ટેમ્પોની વ્યવસ્થા કરી અને ગાયને ગૌશાળા પહોંચાડી. મેવાત સમાજના નેતા શેર મોહમ્મદ કહે છે કે, ગૌરક્ષકોએ રકબરની હત્યા કરી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ અહીં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે. કોઈ વ્યકિત ૩ કલાકમાં અલવરથી જયપુર પહોંચી શકે છે.(૨૧.૧૩)

(11:58 am IST)