Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

શિવસેનાથી નારાજ અમિત શાહે, કાર્યકર્તાઓને કહ્યું- એકલા લડવાની તૈયારી કરો

મહારાષ્ટ્રના બીજેપી કાર્યકર્તાઓને ૪૮ લોકસભા અને ૨૮૮ વિધાનસભા માટે સંગઠન મજબૂત કરવા નિર્દેશ કર્યો

મુંબઇ તા. ૨૩ : બીજેપી અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રમાં પાર્ટી કાર્યકર્તાઓને ૨૦૧૯ની લોકસભાની ચુંટણી શિવસેના વગર લડવાની તૈયારી કરવા કહ્યું છે. તેમણે મહારાષ્ટ્રના બીજેપી કાર્યકર્તાઓને બધી ૪૮ લોકસભા અને ૨૮૮ વિધાનસભા સીટો પર એકલા લડવા માટે સંગઠન મજબુત કરવાનો નિર્દેશ કર્યો છે. શાહે કહ્યું હતું કે બધી સીટો પર એવી સ્થિતિ હોવી જોઈએ કે ત્રણેય પાર્ટીઓ શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સાથે લડે તો પણ ચુંટણી બીજેપી જીતે.

અમિત શાહ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શિવસેનાના વલણથી નારાજ છે. ઉલ્લેખનીય છે કે શિવસેનાએ પહેલા પ્રસ્તાવના વિરોધમાં વોટ કરવા માટે વ્હિપ જાહેર કર્યો હતો પણ પછી તેણે પરત લઈ લીધો હતો. આ પછી શિવસેના તરફથી રાહુલ ગાંધીના ભાષણની પ્રશંસા પણ કરવામાં આવી હતી. જેના કારણે પણ બીજેપી હાઇકમાન્ડ નારાજ છે.

શિવસેના વર્તમાનમાં મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં બીજેપીની સાથે છે. આ સિવાય બીએમસીમાં પણ શિવસેનાને બીજેપીએ સમર્થન આપ્યું છે. આમ છતા શિવસેના સતત કેન્દ્ર અને રાજયની બીજેપી સરકારની નિશાન બનાવતી રહી છે. આ કારણે બંને દળો વચ્ચે અણબનાવ વધી રહ્યો છે.

બીજેપી અધ્યક્ષે પાર્ટી કાર્યકર્તાઓને ૨૩ સુત્રી કાર્યક્રમ પ્રમાણે કામ કરવા કહ્યું છે, જેમાં આ મુખ્ય છે.

૧. ઓનલાઇન જોડાનાર કાર્યકર્તાઓને સક્રિય કરવામાં આવે.

૨. એક બુથના ફોર્મ્યલા પર કામ થાય.

૩. દરેક બુથથી બાઇક રાખનાર પાંચ લોકોને જોડવામાં આવે.

૪. દરેક બુથના મંદિરની લિસ્ટ, તેના ટ્રસ્ટી અને પુજારીનો નંબર અને માહિતી ભેગી કરવામાં આવે.

૫. દરેક બુથમાં મસ્જિદોનું લિસ્ટ બનાવવામાં આવે.

૬. કોઈપણ પ્રકારના લાભાર્થીઓનું લિસ્ટ અને ડિટેલ્સ લાવવામાં આવે.

૭. ત્રણેય પાર્ટીઆ એક થાય તો પણ ૫૧ ટકા મતદાન બીજેપીના પક્ષમાં કરાવવાનો લક્ષ્ય.

૮. મુદ્રા બેન્કથી વધારેમાં વધારે લોન અપાવવાનો પ્રયત્ન.

૯. દરેક બુથમાં ૧૦ એસસી, ૧૦ એસટી અને ૧૦ ઓબીસી કાર્યકર્તા જોડવામાં આવે.

૧૦. પ્રત્યેક પાંચ ઘર માટે એક બીજેપી કાર્યકર્તા નક્કી કરવામાં આવે.(૨૧.૯)

(10:28 am IST)