Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ અત્યાર સુધીમાં ૧,૯૨૫ વાર જૂઠ્ઠું બોલી ચૂકયા છે

છેલ્લા ૧૮ મહિનામાં ટ્રમ્પ સત્તાવાર રીતે કુલ ૧૩ લાખ ૪૦ હજાર ૩૩૦ શબ્દો બોલ્યા

વોશિંગ્ટન તા. ૨૩ : કેનેડાના ટોરન્ટો સ્ટાર નામના એક જાણીતા અખબારે જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી લઈને ૧ જુલાઈ, ૨૦૧૮ સુધીમાં ૧,૯૨૫ વખત જૂઠ્ઠું બોલ્યા છે.

ટ્રમ્પે ૨૦૧૭ની ૨૦ જાન્યુઆરીએ અમેરિકાનું પ્રમુખપદ સંભાળ્યું હતું. શરૂઆતથી જ એમણે મીડિયાને ટાર્ગેટ બનાવ્યું છે અને એવો કટાક્ષ કર્યો હતો કે મીડિયાને ફેક ન્યૂઝ એવોર્ડ આપવા જોઈએ. પરંતુ હવે ટોરન્ટો સ્ટાર અખબારે ટ્રમ્પની બરાબરની ખબર લઈ નાખી છે અને ટ્રમ્પ પોતે કેટલી વાર ખોટું બોલ્યા છે એનું વર્ણન કર્યું છે.

અખબારના જણાવ્યા મુજબ, છેલ્લા ૧૮ મહિનામાં ટ્રમ્પ સત્તાવાર રીતે કુલ ૧૩ લાખ ૪૦ હજાર ૩૩૦ શબ્દો બોલ્યા હતા એમાં ૫.૧ ટકા હિસ્સો જુઠાણાથી ભરેલો હતો.

૨૦૧૭માં, સરેરાશ મુજબ, ટ્રમ્પે લગભગ રોજ ૨.૧ ટકા જૂઠ્ઠા દાવા કર્યા હતા. આ વર્ષે એ સરેરાશ વધીને ૫.૧ ટકા થઈ ગઈ છે. મતલબ કે, ટ્રમ્પ દર ૧૪ શબ્દોમાંથી ૧ શબ્દ જૂઠ્ઠો હોય છે.

ટ્રમ્પ સૌથી વધારે વખત એમના ભાષણોમાં જ જૂઠ્ઠું બોલ્યા છે. ભાષણોમાં એ ૬૪૮ વખત જૂઠ્ઠું બોલ્યા છે. ત્યારબાદ ઈન્ટરવ્યૂમાં ૩૮૦ વખત જૂઠ્ઠું બોલ્યા છે, અનૌપચારિક નિવેદનોમાં ૩૬૯ વખત, ટ્વિટર પર ૩૩૦ વખત અને પત્રકાર પરિષદોમાં ૧૯૨ વખત જૂઠ્ઠું બોલ્યા છે.

વ્હાઈટ હાઉસના ભૂતપૂર્વ મહિલા સ્ટેનોગ્રાફર બેક ડોરે-સ્ટેઈને એમનાં હોદ્દા પરથી એટલા માટે રાજીનામું આપ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના લોકો સાથે જૂઠ્ઠું બોલે છે એવું એમનું માનવું છે. ડોરે-સ્ટેઈનનું કહેવું છે કે મને ઓબામા વહીવટીતંત્રમાં કામ કરવાનું બહુ ગમ્યું હતું, પણ પ્રમુખ ટ્રમ્પ અમેરિકન જનતા સાથે જૂઠ્ઠું બોલે છે એવું મને લાગ્યું હતું. એ સત્ય જણાવવાનો પ્રયાસ પણ કરતા નહોતા.(૨૧.૯)

(10:27 am IST)