Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મેડિકલ કોલેજોની તગડી ફી : જંગી દેવા હેઠળ દબાઇ રહ્યા છે ડોકટરો

MBBSની ફી બની માથાનો દુઃખાવો : પ્રોપર્ટી ગીરો મૂકીને લેવી પડે છે લોન : સરકારી કોલેજોની ફી પણ ભારેઃ એમબીબીએસની એક પ્રાઇવેટ કોલેજની વાર્ષિક ટયૂશન ફી અંદાજીત ૧૦ લાખ રૂપિયા હોય છે : પાંચ વર્ષના અભ્યાસ દરમિયાન હોસ્ટેલ, મેસ, લાઇબ્રેરી, ઇન્ટરનેટ અને પરીક્ષામાં સામેલ કુલ ખર્ચને જોડીએ તો આ રકમ ૫૦ લાખથી પણ વધી જાય છે

નવી દિલ્હી તા. ૨૩ : પ્રાઈવેટ કોલેજોમાં અભ્યાસ કરતા MBBSના વિદ્યાર્થીઓએ તગડી ફી ભરવા માટે મસમોટી રકમ વ્યાજે લેવી પડે છે અને અભ્યાસ પૂરો થાય તે પહેલાં તો તેઓ મસમોટા દેવા હેઠળ દબાઈ જાય છે. પ્રાઈવેટ કોલેજોમાંથી એમબીબીએસ કરતા ડોકટરો માટે ફીનું ગણીત કંઈ એવું બની રહ્યું છે કે પાંચમા વર્ષનો અભ્યાસ પૂરો કરીલે ત્યાં સુધીમાં તેઓ પર ૫૦ લાખ રૂપિયાનું દેવુ થઈ ચઢી ગયું હોય છે.

ઉલ્લેખનીય છે કે એમબીબીએસની એક પ્રાઈવેટ કોલેજની વાર્ષિક ટ્યૂશન ફી અંદાજીત ૧૦ લાખ રૂપિયા હોય છે. પાંચ વર્ષના અભ્યાસ દરમિયાન હોસ્ટેલ, મેસ, લાઈબ્રેરી, ઈન્ટરનેટ અને પરીક્ષામાં સામેલ કુલ ખર્ચને જોડીએ તો આ રકમ ૫૦ લાખથી પણ વધી જાય છે. જો ૫૦ લાખની એજયુકેશન લોનના ઈએમઆઈની ગણતરી કરીએ તો દર મહિને ૬૦ હજાર રૂપિયા ચૂકવવાના થાય છે. કેટલાય રાજયોમાં ડોકટરોનો પગાર ૪૫થી ૬૫ હજાર રૂપિયા સુધીનો હોય છે.

પ્રાઈવેટ ડોકટર્સની વાત કરીએ તો શરૂઆતમાં તેમનો પગાર ૪૫ હજારથી પણ ઓછો હોય શકે છે. એવામાં ડોકટરો માટે આએમઆઈ ચૂકવવા મુશ્કેલ થઈ જતા હોય છે. સરકાર એકબાજુ પ્રોઈવેટ મેડિકલ ખોલવાની મંજૂરી આપી રહી છે તો બીજી બાજુ ડોકટરોની કમીનો હવાલો દઈને એમબીબીએસની સીટ વધારવામાં આવી રહી છે. એવામાં સવાલ ઉભો થાય છે કે શું વધારે પડતી ફી સરકારના આ હેતુને નુકસાન નથી પહોંચાડી રહી? શું ઈએમઆઈ ચૂકવ્યા બાદ ડોકટરો પાસે પોતાનું ગુજરાન કરવા પૂરતા પૈસા વધે છે?

કેટલીય બેકોમાં કોલેટરલ વિના ૭દ્મક ૧૦ લાખથી વધુની એજયુકેશન લોન આપવામાં નથી આપવામાં આવતી. કોલેટરલના રૂપમાં મોટેભાગે ઘર કે સંપત્તિને ગીરો મૂકવી પડે છે. જેની મદદથી સંપત્તિની બરાબર લોન મળી જાય છે. સામાન્ય રીતે ૧૦-૧૨ વર્ષના સમયગાળાવાળા એજયુકેશન લોન પર ૧૦થી ૧૨.૫ ટકા સુધીનું વ્યાજ લાગે છે. જો એજયુકેશન લોન ન હોય તો કેટલાય લોકો પોતાના બાળકો માટે એમબીબીએસ ફી નથી ભરી શકતા.

૨૦૧૭માં ૨૧૦ પ્રાઈવેટ મેડિકલ કોલેજનું વિશ્લેષણમાં જાણવા મળ્યું કે ૫૦ કોલેજોની ફી ૧૦થી ૧૨ લાખ રૂપિયા હતી. ૩૦થી વધુ કોલેજોની ફી આનાથી પણ વધુ હતી. કેટલીય સરકારી કોલેજોની વાર્ષિક ટ્યૂશન ફી પણ વધુ હતી. એમબીબીએસનના અભ્યાસના ૪.૫ વર્ષ પૂરા થયા બાદ વિદ્યાર્થીને એક વર્ષની પેડ ઈન્ટર્નશિપ મળે છે. આ દરમિયાન એમનો પગાર ૨૦થી ૨૫ હજાર રૂપિયા હોય છે.

એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ જો વિદ્યાર્થી જો રેસિડન્ટ ડોકટર કે મેડિકલ ઓફિસર તરીકે પોસ્ટ ગ્રેજયુએશનના ત્રણ વર્ષ પૂર્ણ કરે છે તો તેમને સરકારી ક્ષેત્રનો પગાર ૪૦થી ૫૫ હજાર રૂપિયા સુધી આપવામાં આવે છે. કેટલાય રાજયોમાં પ્રાઈવેટ સેકટરમાં આ રકમ તેનાથી પણ ઓછી છે. ત્રણથી ૪ વર્ષ દરમિયાન સારી સ્થિતિમાં આ પગાર વધીને ૭૦ હજાર રૂપિયા સુધી થઈ જાય છે. ૩૦થી ૫૦ લાખ રૂપિયાની એજયુકેશન લોનની ઈએમઆઈ પણ ૪૫થી ૬૫ હજાર રૂપિયાની રેન્જમા હોય છે.

એવામાં ડોકટરો પાસે ઈએમઆઈ ચૂકવ્યા બાદ ઘર ખર્ચ માટે પૂરતા પૈસા નથી વધતા. જે ડોકટરોના લગ્ન થઈ ચૂકયાં હોય છે તેમના પર પરિવારનો ખર્ચ ચલાવવાનું પણ ભારણ આવી જતું હોય છે. આવી જ રીતે ભારતમાંથી એમબીબીએસ કરીને નિકળેલ વિદ્યાર્થી દેવાની જાળમાં ફસાઈ જતો હોય છે. ત્યારે એમબીબીએસને આ સમસ્યાથી નીપટવા માટે સરકાર દ્વારા કોઈ ખાસ પ્રયત્નો પણ કરવામાં નથી આવી રહ્યા. જે રાજયોમાં ફીને લઈને નિયમોનું કડક રીતે પાલન થઈ રહ્યું છે ત્યાં પણ પ્રાઈવેટ કોલેજોની ફી ૨.૫ લાખ રૂપિયાથી લઈને ૬ લાખ રૂપિયા સુધીની છે. એવામાં જે લોકો ફી ભરવા સક્ષમ નથી તેમણે ૧૨થી ૩૦ લાખ રૂપિયાની લોન લેવી પડી રહી છે. બાદમાં તે ચૂકવવી માથાનો દુઃખાવો બની જાય છે.(૨૧.૭)

(10:31 am IST)