Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

...તો આ કારણે અંબાણીએ રિલાયન્સમાંથી છોડવું પડશે એક પદ!

ચેરમેન અને મેનેજિંગ ડિરેકટરની ભૂમિકા અલગ કરવાના બજાર નિયામક સેબીના નિયમને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, TCS અને ભારતી એરટેલ સહિત ૨૯૧ કંપનીઓએ ૧ એપ્રિલ ૨૦૨૦ સુધી પોતાના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં એક નોન-વર્કિંગ ચેરપર્સનની પસંદગી કરવી પડશે

મુંબઇ તા. ૨૩ : ચેરમેન અને મેનેજિંગ ડિરેકટરની ભૂમિકા અલગ કરવાના બજાર નિયામક સેબીના નિયમને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, TCS અને ભારતી એરટેલ સહિત ૨૯૧ કંપનીઓએ ૧ એપ્રિલ ૨૦૨૦ સુધી પોતાના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં એક નોન-વર્કિંગ ચેરપર્સનની પસંદગી કરવી પડશે.

વર્તમાન સમયમાં ઘણી બધી કંપનીઓએ CMD (ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર)ના રૂપમાં બંને પદોને એકસાથે રાખ્યા છે, જેના કારણે બોર્ડ ઓફ ડિરેકટર્સ અને મેનેજમેન્ટમાં ટક્કરની સ્થિતિ પેદા થઈ છે. સેબીના નવા નિયમો અનુસાર, ટોપની ૫૦૦ કંપનીઓએ ૧ એપ્રિલ ૨૦૨૦ સુધી એ સુનિશ્ચિત કરવું પડશે કે, તેમના બોર્ડ ઓફ ડિરેકટર્સના પ્રમુખ (ચેરપર્સન) કોઈ નોન-વર્કિંગ વ્યકિત જ હોય.

આનાથી ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર્સના પદ અલગ થઈ જશે. આ નિયમ કંપની પ્રશાસન પર સેબી દ્વારા નિર્મિત કોટક સમિતિની ભલામણોનો ભાગ છે. પ્રાઈમ ડેટાબેઝના આંકડા અનુસાર બજાર મૂડીરોકાણની રીતે નેશનલ સ્ટોક એકસચેન્જમાં ટોચની ૫૦૦ કંપનીઓમાંથી ૨૯૧ કંપનીઓ (૫૮.૨ ટકા)ને સીઈઓ/એમડી અને ચેરપર્સન પદને અલગ કરવાની સાથે-સાથે નોન-વર્કિંગ ચેરપર્સનની પસંદગી કરવાની રહેશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત, ઈન્ફોસિસ, વ્ઘ્લ્, ભારત એરટેલ ઉપરાંત હિન્દુસ્તાન યુનિલિવર, ONGC, કોલ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો અને HCL ટેકનોલોજિસ જેવી મોટી કંપનીઓના બંને પદો અલગ-અલગ કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, આ મહીનાની શરૂઆતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીએ કંપનીના મેનેજિંગ ડિરેકટર તરીકેનો પોતાનો કાર્યકાળ વધુ ૫ વર્ષ માટે વધાર્યો છે. સાથે જ તે બોર્ડ ઓફ ડિરેકટર્સના ચેરમેન પણ છે. આ ઉપરાંત ભારતી એરટેલ અને TCSએ એપ્રિલ ૨૦૧૯ સુધીમાં બોર્ડ ઓફ ડિરેકટર્સમાં ઓછામાં ઓછી એક સ્વતંત્ર મહિલા ડિરેકટરની પણ પસંદગી કરવી પડશે.

આ ઉપરાંત HDFC, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન ઝિંકને પણ આવતા વર્ષ સુધી સ્વતંત્ર મહિલા નિદેશકની પસંદગી કરવી પડશે. NSEમાં રજિસ્ટર્સ ટોચની ૫૦૦ કંપનીઓમાંથી ૧૪૫ કંપનીઓએ (૨૯ ટકા)એ એક એપ્રિલ ૨૦૧૯માં સ્વતંત્ર મહિલા ડિરેકટરની નિયુકિત કરવી પડશે.(૨૧.૬)

(10:22 am IST)