Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સૌથી ઉંચા જીએસટી સ્લેબમાં માત્ર ૩૫ પેદાશો રહી ગઈ છે

સિમેન્ટ, વિમાન, સિગારેટ ઉંચા સ્લેબમાં : એક વખતે આવક સ્થિર થયા બાદ ડિસવોશર, ડિજિટલ કેમેરા, ટીવી, એસી પર ૧૮ ટકા જીએસટી લાગૂ કરાશે

નવીદિલ્હી,તા. ૨૨ : ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી કાઉન્સિલે સૌથી ઉંચા ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં પ્રોડક્ટની યાદીને ઘટાડીને ૩૫ કરી દીધી છે. હવે આ યાદીમાં એસી, ડિઝિટલ કેમેરા, વિડિયો રેકોર્ડર, ડીસ વોશિંગ મશીન અને વાહન જેવા ૩૫ પ્રોડક્ટ રહી ગયા છે. છેલ્લા એક વર્ષના ગાળા દરમિયાન જીએસટી કાઉન્સિલે સૌથી ઉંચા ટેક્સ સ્લેબવાળા ૧૯૧ પ્રોડક્ટ પર ટેક્સ ઘટાડી દીધા છે. જીએસટીને પહેલી જુલાઈ ૨૦૧૭ના દિવસે લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે વખતે ૨૮ ટકા ટેક્સ સ્લેબમાં ૨૨૬ વસ્તુઓ હતી. નાણામંત્રીના નેતૃત્વવાળી જીએસટી કાઉન્સિલે એક વર્ષના ગાળામાં ૧૯૧ વસ્તુઓથી ટેક્સ રેટ ઘટાડી દીધા છે. નવા જીએસટીના દર ૨૭મી જુલાઈથી અમલી બનનાર છે. જે ૩૫ પ્રોડક્ટ હવે સૌથી ઉંચા ટેક્સ સ્લેબમાં રહી ગયા છે તેમાં સિમેન્ટ, વાહનો, સ્પેરપાર્ટ્સ, ટાયર, વાહનના સાધનો, મોટર વાહનો, યાચ, વિમાન, ડ્રીંક્સનો સમાવેશ થાય છે. સિગારેટ અને પાનમસાલા પણ આમા સામેલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આગળ ચાલીને મહેસુલી રકમ સ્થિર થઇ ગયા બાદ કાઉન્સિલ ૨૮ ટકા ટેક્સ સ્લેબને વધારે તર્કસંગત બનાવશે. સૌથી ઉંચા ટેક્સ સ્લેબને માત્ર સુપર લકઝરી અને અન્ય પ્રોડક્ટ સુધી મર્યાદિત રાખવામાં આવી છે. ડિલોઇટ ઇન્ડિયાના અધિકારી એમએસ મણિએ કહ્યું છે કે, એવી અપેક્ષા રાખી શકાય છે કે મહેસુલી નાણા સ્થિર થઇ ગયા પછી તમામ પ્રકારના ટીવી, ડિસવોસર, ડિજિટલ કેમેરા, એસી પર ૧૮ ટકાના દરને અમલી કરવામાં આવશે. સારી બાબત એ રહેશે કે માત્ર મર્યાદિત વસ્તુઓને જ ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાંરાખવામાં આવશે. ઓછા જીએસટી સ્લેબની દિશામાં આગળ વધારી શકાશે.

(12:00 am IST)