Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અમરનાથ દર્શન માટે ૧૧૭૯ શ્રદ્ધાળુનો કાફલો રવાના થયો

હજુ સુધી ૨.૩૦ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરાયા : ૨૨મી બેચમાં ૨૪૮ મહિલા, ૪૭ સાધુ સંતો જોડાયા

શ્રીનગર, તા. ૨૨ : જમ્મુ કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણરીતે આગળ વધી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ૧૧૭૯ શ્રદ્ધાળુઓની નવી ટુકડી અમરનાથ દર્શન માટે રવાના થઇ હતી. જુદા જુદા વાહનોમાં આ ટુકડી ખીણ માટે રવાના થઇ હતી. અમરનાથ શ્રદ્ધાળુઓની સંખ્યા હજુ પણ વધી રહી છે. ૬૦ દિવસ સુધી ચાલનાર આ યાત્રા ૨૮મી જૂનના દિવસે શરૂ થઇ હતી. ગંદરબાલમાં બાલતાલ અને અનંતનાગ જિલ્લામાં પહેલગામના બે રુટ પરથી અમરનાથ યાત્રા ચાલી રહી છે. હજુ સુધી ૨.૩૦ લાખથી વધુ લોકો અમરનાથના દર્શન કરી ચુક્યા છે. અમરનાથમાં કુદરતીરીતે બનતા બરફના શિવલિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વહેલી પરોઢે ભગવતીનગર બેઝ કેમ્પથી સઘન સુરક્ષા વચ્ચે ૪૧ વાહનો અને બે મોટરસાયકલ પર શ્રદ્ધાળુઓનો કાફલો રવાના થયો હતો. શ્રદ્ધાળુઓના આ કાફલામાં ૨૪૮ મહિલાઓ અને ૪૭ સાધુ સંતો સામેલ છે. અમરનાથ દર્શન માટે રવાના થયેલી શ્રદ્ધાળુઓની આ ૨૨મી બેંચ હતી. બીજી બાજુ અધિકારીઓના કહેવા મુજબ ખીણ માટે આજે રવાના થયેલી શ્રદ્ધાળુઓની આ ટુકડી હજુ સુધીની સૌથી નાની ટુકડી છે. ૭૯૭ શ્રદ્ધાળુઓ નુનવાન માટે રવાના થયા હતા. આ લોકો પરંપરાગતરીતે ૩૬ કિલોમીટર લાંબા પહેલાગામ ટ્રેક પરથી આગળ વધશે જ્યારે ૩૮૨ શ્રદ્ધાળુઓ બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા. ૧૨ કિલોમીટર લાંબા ટુંકા રુટથી આ લોકો રવાના થશે. ગયા વર્ષે ૨.૬ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા અમરનાથના દર્શન કરવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રાના બીજા તબક્કામાં સામાન્યરીતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થઇ જાય છે. કારણ કે, બરફના શિવલિંગમાં શિવલિંગ ઓગળવાની શરૂઆત થઇ જાય છે પરંતુ આ વખતે યાત્રા અનેક વખત ખોરવાઈ પડી છે. સત્તાવાળાઓને યાત્રા અનેકવખત મોકૂફ કરવી પડી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, બુધવાર સુધી ખરાબ હવામાનની સ્થિતિ રહી શકે છે.

(12:00 am IST)