Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ચીનમાં એમબીબીએસના અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

કોરોનાને કારણે છેલ્લા 17 મહિનાથી ભારતમાં હોવાથી તેમને માનસિક તણાવ

અમદાવાદઃ ચીનમાં એમબીબીએસના અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ કોરોનાને કારણે છેલ્લા 17 મહિનાથી ભારતમાં હોવાથી તેમને માનસિક તણાવ અનુભવી રહ્યા છે. ઓનલાઇન ભણતરને કારણે તેમને પોતાની કારકિર્દીને લઈને ચિંતા થઇ રહી છે. કારણ કે, વિદ્યાર્થીઓ નથી ચાઈના જઇ શકતા કે નથી ઓનલાઇ અભ્યાસ કરી શકતા. ચીનની મોટાભાગની યુનિવર્સિટી ચાઇનીઝ એપ્સ પર જ અભ્યાસ કરાવે છે જે એપ્સ પર ભારતમાં પ્રતિબંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓ ખરાબ રીતે ચીનનાં ચક્રવ્યૂહમાં ફસાયા છે.

ભારતમાંથી હજારો વિધાર્થીઓ એમબીબીએસનો અભ્યાસ કરવા દર વર્ષે ચીનમાં પ્રવેશ મેળવતા હોય છે. પરંતુ જ્યારથી કોરોનાકાળની શરૂઆત થઈ છે ત્યાર બાદ ચીનમાં મેડિકલનું ભણતર કરનારા વિદ્યાર્થીઓ કપરી પરિસ્થિતિમાં મૂકાયા છે.

તેમનો અભ્યાસ છેલ્લા 17 મહિનાથી અટવાયો છે. ચીનની નફ્ફટાય આમાં પણ સામે આવી છે. પહેલા ચીન અને ભારત બન્ને દેશોમાં કોરોના વાયરસ વધતા ભારતીય વિદ્યાર્થીઓ પરત આવી ગયા હતા. જે બાદ તેમનો ત્યાં અભ્યાસ સાથે કોલેજ શરૂ કરવામાં આવી છે પણ તેમને ત્યાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

મેડિકલ ક્ષેત્રમાં વગર પ્રેક્ટિકલે ઓનલાઇન અભ્યાસના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. જેના કારણે તેમને માનસિક તણાવથી પસાર થવું પડી રહ્યું છે. એક બે યુનિવર્સિટીને બાદ કરતા તમામને ચીનની એપ પર ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. જોકે આ એપ પર ભારતમાં પ્રતિબંધ હોવાને લઈને વિધાર્થીનો અભ્યાસ થઇ શકતો નથી. જોકે, આ કારણકે સુરતમાં 1500 સહિત ગુજરાતમાં 5 હજાર અને ભારત ભરમાં 70 હજાર વિધાર્થીઓનું ભાવિ જોખમાઈ રહ્યું છે.

ભારત અને ચીન બન્નેના સમયમાં અઢી કલાકનો તફાવત હોય છે. વહેલી સવારથી લઇને સાંજ સુધી ઓનલાઇન ક્લાસિસ ચાલે છે પરંતુ મેડિકલ ક્ષેત્રમાં વગર પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી ઓનલાઇન ભણતરથી અભ્યાસ મેળવવુ એ વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. હાલ ચીનમાં મેડિકલ અભ્યાસ કરનારા ભારતના જ નહિ પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અન્ય દેશના યુવાનો ચીન સામે સોશિયલ મીડિયામાં એક મુહિમ ચલાવી રહ્યા છે. તેમનો અભ્યાસ શરૂ થાય તે માટે ખાસ લડત પણ ચલાવી રહ્યા છે. હાલ વિદ્યાર્થીઓ માનસિક તણાવથી પસાર થઇ રહ્યા છે.

(12:35 am IST)