Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

એક મંડપમાં બે બહેનો સાથે લગ્ન કર્યા આ ભાઈએ

આ લગ્ન માટે ત્રણેયની એકમેક સાથે સહમતિ હતી

હૈદ્રાબાદ, તા.૨૩: કોઈ પુરુષ એક સ્ત્રીને પરણ્યા પછી થોડા સમય બાદ ગુપ્ત રીતે બીજી સ્ત્રીને પરણી જાય એવા કિસ્સા આપણા સાંભળવામાં આવ્યા છે, પરંતુ બે સ્ત્રી એક જ સમયે એક જ પુરુષને પરણવા રાજી થઈ જાય એવો બનાવ આપણે માટે આશ્ચર્યજનક જ કહેવાય.

તાજેતરમાં તેલંગણામાં આદિવાસી જાતિના એક પુરુષે બે મહિલાઓ સાથે એક જ સમયે લગ્ન કર્યા હતા. આ લગ્ન માટે ત્રણેયની એકમેક સાથે સહમતિ હતી. અર્જુન નામના આ માણસની બે વર્ષથી બે મહિલાઓ સાથે રિલેશનશિપ હતી. બન્ને મહિલાઓ અર્જુનની આન્ટીની પુત્રીઓ છે. આ બેમાંની એક બહેન ઉષારાની દ્યણા સમયથી અર્જુનના જ ગામમાં રહેતી હતી, જયારે બીજી બહેન સૂર્યકલા નજીકના ગામમાં રહેતી હતી. શિક્ષક બનવાનો તાજેતરમાં કોર્સ પૂરો કરનાર અર્જુને બેઉ બહેનોને દિલ ખોલીને બધી વાત કરી દીધી હતી. પોતે બન્ને બહેનોના પ્રેમમાં છે એવું તેણે તેમને કહ્યા પછી તેણે બન્નેને લગ્નની ઓફર કરી હતી જે બહેનોએ સ્વીકારી લીધી હતી. બેમાંથી એક પણ બહેન અર્જુનને છોડવા રાજી નહોતી. અર્જુનના અને બેઉ બહેનોના પરિવારની સંમતિથી આ લગ્ન પાર પડ્યા છે. એ.એન.આઇ.ના અહેવાલ મુજબ જ્ઞાતિના અગ્રણી પી. જયવંથરાવ કહે છે,

'આદિવાસી જાતિઓમાં આવા પ્રકારના લગ્ન સામાન્ય બાબત છે. એક જ સમયે બે આદિવાસી મહિલા સાથે લગ્ન કરવાની બહુ જૂની પરંપરા છે.

(4:34 pm IST)