Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

લાહોરમાં આતંકી હાફીઝ સઇદના ઘર નજીક જોરદાર બ્લાસ્ટ: એકનું મોત અને 16 ઘાયલ

રેસ્ક્યુ ટીમ સાથે પોલીસ અને બોમ્બ નિકાલ ટીમ ઘટના સ્થળ પર પહોંચી

પાકિસ્તાનના લાહોરના જૌહર ટાઉન વિસ્તારમાં એક ઘરમાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 16 લોકો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે. ખાસ બાબત એ છે કે, આ એ જ વિસ્તાર છે કે, જ્યાં કુખ્યાત આતંકી હાફીઝ સઇદ રહેતો હતો. રેસ્ક્યુ ટીમ સાથે પોલીસ અને બોમ્બ નિકાલ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે આસપાસના ઘરોમાં અને ઇમારતોના કાચ પણ તૂટી ગયા છે. એક બિલ્ડીંગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે અને વિસ્ફોટ સ્થળ પર રહેલી કેટલીક ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે. બચાવ અધિકારીઓનું કહેવું છે કે, 10 લોકો ઘાયલ થયા છે અને તેઓને ખાનગી વ્હીકલ દ્વારા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે.

જિન્ના હોસ્પિટલ પ્રબંધનનું કહેવું છે કે, ઘાયલોને અહીં લાવવામાં આવી રહ્યાં છે, અમે લોકોને ઘાયલો માટે રક્તદાન કરવાનું કહેવાયું છે, આ સાથે 4 ઘાયલોને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાંથી જવા દેવામાં આવ્યાં છે. બ્લાસ્ટનો અવાજ એટલો ખતરનાક હતો કે, તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. આ ઘટનાને નિહાળનાર એક પાકિસ્તાનીએ સ્થાનિક ચેનલ સમક્ષ દાવો કર્યો હતો કે, અહીં એક ઘર પાસે એક અજ્ઞાત વ્યક્તિ મોટરસાઈકલ મૂકીને જતો રહ્યો હતો અને તેમાં બોમ્બ હોવાથી બ્લાસ્ટ થયો હતો.

આ ઘટના બાદ પંજાબના મુખ્યમંત્રી સરદાર ઉસ્માન બુજદારએ જણાવ્યું કે, 'પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ પાસેથી આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ટ્વિટર પર પંજાબ સરકારએ જાહેરાત કરી છે કે, સીએમએ ઘટનાની તત્કાલ તપાસના આદેશ આપ્યાં છે, ઘાયલોની સારવાર માટે જિન્ના હોસ્પિટલમાં આપાત સ્થિતિ પણ જાહેર કરી દેવાઇ છે. જ્યારે રેસ્ક્યુ ઓપરેશનમાં તેજી લાવવાનું પણ કહેવામાં આવ્યું છે.

(1:33 pm IST)