Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

છેલ્લા ૨૪ કલાકમાં ૫૦,૮૪૮ કેસ : ૧,૩૫૮ લોકોના મોત

દેશમાં ફરી નવા કેસ અને મૃત્યુમાં થયો વધારો

નવી દિલ્હી તા. ૨૩ : સતત ઘટાડા બાદ આજે કોરોનાના દૈનિક કેસમાં વધારો નોંધાયો છે. મૃત્યુઆંકમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. જયારે ૧,૩૫૮ લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના નવા ૪૨,૬૪૦ દર્દીઓ નોંધાયા હતા અને ૧,૧૬૭ દર્દીઓના કોરોનાથી જીવ ગયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૦,૮૪૮ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે ૩,૦૦,૨૮,૭૦૯ થઈ ગયો છે. એક દિવસમાં ૬૮,૮૧૭ દર્દીઓએ કોરોનાને માત આપી. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે ૨,૮૯,૯૪,૮૫૫ થઈ છે. હાલ ૬,૪૩,૧૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે.

ગઈ કાલે જાહેર થયેલા આંકડા કરતા મૃત્યુનો આંકડો આજે વધ્યો છે. સરકારી આંકડા મુજબ એક દિવસમાં ૧,૩૫૮ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે જે આંકડા જાહેર થયા હતા તે મુજબ એક દિવસમાં ૧,૧૬૭ લોકોના કોરોનાથી મોત થયા હતા. એટલે કે આજે જાહેર થયેલા આંકડા મુજબ મૃત્યુમાં વધારો થયો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે ૩,૯૦,૬૬૦ પર પહોંચી ગયો છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ એકિટવ કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આજે ૮૨ દિવસ બાદ એકિટવ કેસનો આંકડો ૬,૪૩,૧૯૪ પર પહોંચ્યો છે. રિકવરી રેટ હાલ વધીને ૯૬.૫૬% થયો છે. જયારે ડેઈલી પોઝિટિવિટી રેટ ૨.૬૭% છે.

(10:57 am IST)