Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

માંદુ IT પોર્ટલ.. TDS રિટર્ન નહીં ભરી શકાયું તો રોજ ૨૦૦નો દંડ ભરવો પડશે

ટીડીએસ રિટર્ન ભરવાની છેલ્લી મુદત ૩૦ જૂન નક્કી કરાઇ છે : પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતી અનુભવતા વેપારીઓ

મુંબઇ,તા. ૨૩: ઇન્કમટેકસમાં ટીડીએસ રિટર્ન ભરવાની છેલ્લી મુદત ૩૦ જૂન નક્કી કરવામાં આવી હોવા છતાં આઇટીનું નવું પોર્ટલ ચાલતું નહીં હોવાથી અનેક વેપારીઓ હજુ પણ રિટર્ન ફાઇલ કરી શકયા નથી. જેથી ટીડીએસ રિટર્ન છેલ્લી મુદત પછી ભરવામાં આવશે તો નિયમ પ્રમાણે રોજના ૨૦૦ રૂપિયા લેખે દંડ ભરવાની નોબત આવી શકે તેમ છે. જોકે આઇટી પોર્ટલના ઠેકાણા નહીં હોવા છતાં પાડાના વાંકે પખાલીના ડામની ઉકિતિ ચરિતાર્થ કરતી સ્થિતિ વેપારીઓ માટે સર્જાઇ છે.

ઇન્કમટેકસ વિભાગનું નવું પોર્ટલ હજુ પણ ચાલતું નહીં હોવાના કારણે સૌથી વધુ પરેશાની હાલમાં વેપારીઓ અનુભવી રહ્યા છે. કારણ કે આગામી ૩૦મી જૂન સુધીમાં ટીડીએસ રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ છે. પરંતુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરી જ થઇ શકતી નહીં હોવાના કારણે ટીડીએસ રિટર્ન ભરવા તૈયાર હોવા છતાં વેપારીઓ રિટર્ન ફાઇલ કરી શકતા નથી. આ માટે જૂની સિસ્ટમ પ્રમાણે ભરવા માટેની અનેક વેપારીઓએ તૈયારી કરી છે. તેમાં ઓફલાઈન રિટર્ન ભરવા માટે પ્રત્યેક એન્ટ્રી પ્રમાણે નાલ્લાંની વસૂલાત કરવામાં આવતી હોય છે. જેથી વેપારીએ તે માટે વધારાના ૧૦૦થી ૨૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જયારે ઇન્કમટેકસ વિભાગની તમામ કામગીરી ઓનલાઈન કરવાનો દાવો કરવામાં આવતો હોવા છતાં પોર્ટલ બરાબર ચાલતુ નહીં હોવાના લીધે ઓફલાઇન રિટર્ન ભરવાની સ્થિતિ ઊભી થઇ છે. જો વેપારીઓ દ્વારા આગામી ૩૦મી જૂન સુધીમાં ટીડીએસ રિટર્ન ભરવામાં નહી આવે તો નિયમ પ્રમાણે રોજના ર૦૦ રૂપિયા લેખે દંડની પણ વસૂલાત થવાની સ્થિતિ ઊભી થઇ છે. કારણ કે રિટર્ન ભરવાને આડે હવે ગણતરીના આઠ જ દિવસ બાકી રહ્યા છે. જેથી વેપારીઓ ટીડીએસ રિટર્ન ભરવા માટેની મુદત વધારવામાં આવે અથવા તો આઇટીનું નવું પોર્ટલ એકાદ દિવસમાં જ શરૂ થાય તેવું ઇચ્છી રહ્યા છે.

(10:34 am IST)