Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વેટનો આતંક ..આડેધડ નોટિસોથી ખળભળાટ

અધિકારીઓએ યોગ્ય ચકાસણી કર્યા વિના જ આડેધડ નોટિસ ફટકારી : ૮૦ ટકા વેપારીઓને નોટિસ મળતાની સાથે જ સવારથી જ ઉહાપોહ મચ્યો

મુંબઇ,તા. ૨૩: વેટએસેસમેન્ટમાં અધિકારીઓએ બુદ્ઘિનું દેવાળું ફૂંકયું હોય તેમ સુરત સહિત રાજયના લાખ્ખો વેપારીઓને રિકવરીની નોટિસ મોકલી છે. તેમાં કેટલાય વેપારીઓએ તો એક પણ રૂપિયો ભરવાનો થતો નહીં હોવા છતાં આડેધડ નોટિસ મોકલવામાં આવતા વેપારી આલમની સાથે સાથે ટેકસ કન્સલ્ટન્ટ અને વકીલોમાં પણ રોષ ફેલાયો છે. કારણ કે રાજયના ૮૦ ટકા વેપારીઓને વેટ વિભાગની નોટિસ મળી હોવાની વિગતો જાણવા મળી છે.

એક જુલાઇ ર૦૧૭ પહેલા રાજયમાં વેટ લાગુ હતો. જેથી વર્ષ ૨૦૧૧થી જુલાઇ ૨૦૧૭ સુધીના વેટના તમામ કેસનો નિકાલ કરવા માટે એસેસમેન્ટ કરવામાં આવી રહ્યા છે. આજે અચાનક સુરત સહિત રાજયના વેપારીઓને નાણાં ભરવા માટે નોટિસ મોકલવામાં આવતા  વેપારીઓ દોડતા થઇ ગયા હતા. જોકે તે પૈકી મોટાભાગના વેપારીઓએ વેટ એસેસમેન્ટ બાદ નિયમ પ્રમાણે ભરપાઇ કરવાના નાણાં વિભાગમાં જમા કરાવી દીધા હોવા છતાં નોટિસ મોકલવામાં આવી છે. તેના કારણે ભારે ઊહાપોહ મચ્યો છે. આ માટે  એવી હકીકત જાણવા મળી છે કે ઉપરી અધિકારીએ આદેશ આપતાની સાથે જ અધિકારીઓએ એકસાથે વેપારીઓને નોટિસ મોકલી આપી છે. જોકે તેમાં વેપારી પાસે વસૂલાત કરવાની થાય છે કે નહીં તેની પણ ચકાસણી કરવાની તકેદારી રાખી નથી. જેના લીધે આગામી દિવસોમાં ભારે વિવાદ થવાની પણ શકયતા છે.

  • અધિકારીઓની ભૂલના લીધે વેપારીઓની હાલત કફોડી

વેટ એસેસમેન્ટમાં જે રીતે આજે અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં કોઇ પણ પ્રકારનુ સંકલન જોવા મળ્યું નથી, કારણ કે વેપારીઓએ નાણા ભરપાઇ કરી દીધા હોવા છતાં રિકવરી કાઢવામાં આવી છે. વેરા સમાધાન યોજનાનો લાભ લીધો હોય તેવા વેપારીઓને પણ નોટિસ આપવામાં આવી છે. જયારે આ તમામ જાણકારી અધિકારીઓને ઓનલાઇન જોવા મળતી જ હોય છે. તેમ છતાં ઉપરી અધિકારીઓને વ્હાલા થવા માટે વેપારીઓને આડેધડ નોટિસ મોકલી છે. જેથી તેની ઉચ્ચસ્તરે રજુઆત પણ આગામી દિવસોમાં કરાશે.

- પ્રશાંત શાહ (ટેકસ કન્સલ્ટન્ટ)

  • અપીલમાં રિકવરી નીલ છતાં નોટીસ ફટકારી

વેટ એસેસમેન્ટની કામગીરીમાં જે વેપારીને મુદ્દલ, દંડ અને  વ્યાજ ભરવાનો થતો હતો. તેના કેટલાય વેપારી અપીલમાં ગયા હતા. અપીલમાં આ કેસ ચાલ્યા બાદ તેમાં ભરપાઇ  કરવાના થતાં નાણા વેપારીએ ભરી દીધા હોવાથી એકપણ રૂપિયો ભરપાઇ કરવાનો થતો નહીં હોવાનો ઓડર પણ થઇ  ગયો હતો. આ ઓડર હાલમાં પણ પોર્ટલ પર ઓનલાઇન  જોઇ શકાય છે. તેમ છતાં આવા વેપારીઓને પણ  અધિકારીઓએ નોટિસ ફટકારીને બુદ્ઘિનું દેવાળું ફૂંકયું છે.  જેથી અધિકારીઓએ આ ઓર્ડર જોવાની પણ દરકાર લીધી  નહીં હોવાનો વેપારીઓમાં બળાપો જોવા મળી રહ્યો છે.

  • નોટીસમાં ટીન નંબરનો ઉલ્લેખ સુધ્ધાં નહીં કરાયો

વેપારીઓને આડેધડ મોકલવામાં આવેલી નોટિસમાં અધિકારીઓએ યોગ્ય ચકાસણી કયાં વિના નોટિસ મોકલી હોવાનું એવી રીતે સાબિત થાય છે કે કોઇ પણ વેપારીને નોટિસ મોકલવામાં આવે તો તેમાં તે વેપારીનો ટીન નબર લખવાનો હોય છે. જીએસટી પહેલા વેટ હોવાથી તે વખતે ટીન નંબર વેપારીને આપવામાં આવતા હતા. જયારે હાલમાં જીએસટી નંબરના આધારે વેપારીનું ટર્નઓવરની જાણકારી મળતી હોય છે.  જયારે આજે આપવામાં આવેલી નોટિસમાં વેપારીના ટીન નબરનો પણ ઉલ્લેખ સુધ્ધા કરાયો નથી.

(10:33 am IST)