Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કોવિડથી સંકોચાઈ રહ્યાં છે મગજનાં કેટલાંક ભાગ, ગંધ-સ્વાદ અને યાદ શકિત પર અસર

બ્રિટનમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોવિડ-૧૯ની બીમારીથી મગજના કેટલાક ભાગ સંકોચાવા લાગ્યા છે. ૭૦૦થી પણ વધુ લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં આ પરિણામ સામે આવ્યું છે : અભ્યાસમાં સામે આવ્યું કે થોડુ સંક્રમણ થવાથી મગજ પર પણ તેની અસર જોવા મળી છે : કોવિડ માત્ર લોકોમાં તણાવ જ ઊભો નથી કરતો પણ સાથે સાથે મગજના કેટલાક ભાગ પર પણ અસર કરે છે : મગજની બનાવટ તથા કામ કરવાની પ્રક્રિયાઓને સ્કેન કરતા મગજના કેટલાક ભાગ સંકોચાયેલા જોવા મળ્યા

લંડન,તા.૨૩: કોવિડ-૧૯ બીમારીથી ફેફસા અને હૃદય પર તો અસર થાય જ છે, પણ નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે મગજ પર પણ તેની અસર થાય છે. પહેલીવાર કોવિડ-૧૯થી સંક્રમિત થયા પહેલાં અને પછી મગજને સ્કેન કરીને અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં સામે આવ્યું કે થોડુ સંક્રમણ થવાથી મગજ પર પણ તેની અસર જોવા મળી છે. કોવિડ માત્ર લોકોમાં તણાવ જ ઊભો નથી કરતો પણ સાથે સાથે મગજના કેટલાક ભાગ પર પણ અસર કરે છે.

હાવર્ડ મેડિકલ સ્કૂલના ફિજીસીયન ડો.અદિતી નેરૂરકરે જણાવ્યું કે બ્રિટનના વૈજ્ઞાનિકોની એક ટીમે આ અભ્યાસ કર્યો છે. જેમાં લિંબિક કોર્ટેકસ, હિપોકૈંપસ અને ટેંપોરલ લોબ સંકાચાયેલા જોવા મળ્યા. મગજના આ ભાગોથી ગંધ-સ્વાદ, યાદશકિત અને ભાવનાઓ કંટ્રોલ થાય છે. આ બદલાવ એવા લોકોમાં જોવા મળ્યો કે જેઓમાં કોરોનાના લક્ષણો ઓછા હતા અને હોસ્પિટલમાં ભરતી થયા ન હતા.

બ્રિટન બાયોબેંકે મહામારીની શરૂઆતમાં ૪૦ હજાર લોકોના મગજને સ્કેન કર્યું હતું. ૨૦૨૧માં આમાંથી ૭૮૨ લોકોને ફરીથી બોલાવવામાં આવ્યા. જેમાંથી ૩૯૪ લોકો કોરોના પોઝિટિવ રહી ચૂકયા હતાં. આ અભ્યાસમાં લોકોની ઉંમર, લિંગ, સ્થળ જેવા માનાંકોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા અને મગજની બનાવટ તથા કામ કરવાની પ્રક્રિયાઓને સ્કેન કરવામાં આવ્યા. પરિણામમાં સામે આવ્યું કે મગજના કેટલાક ભાગ સંકોચાયેલા હતા.

આ અભ્યાસમાં આશ્ચર્યની વાત એ છે કે, જે કોરોના પોઝિટિવ લોકોને સ્કેન કરવામાં આવ્યા હતા, એમાંથી કેટલાક લોકો એટલી હદે બીમાર હતા કે તેઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. એટલે કે એવા લોકોના મગજ પર પણ વધારે અસર થઈ કે જેઓ હોસ્પિટલમાં ભરતી કરવા જેવી ગંભીર સ્થિતિમાં ન હતા. આ અભ્યાસની સાથે જ મગજ પર પડતી અસરને ગંભીરતાથી લઈને અને ઈન્ફેકશનથી બચવાની જરૂરિયાત સ્પષ્ટ થાય છે.

(10:25 am IST)