Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

રાજ્યના 9 જિલ્લાના 23 તાલુકામાં વરસાદ: ઉમરગામમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ: રાણપુરમાં ધોધમાર 2 ઈંચ: ઓલપાડમાં 1 ઈંચ

રાજકોટ, જસદણ, વીછીયા અને ચોટીલા સહિતના વિસ્તારોમાં વરસાદ :બોટાદ,ગઢડા,ઢસા,સાવરકુંડલા,ધારી અને મહુવામાં ગાજવીજ વરસાદ :ડાંગ આહવામાં પણ ધોધમાર ખાબક્યો :સુરતમાં કડાકા ભડાકા :

અમદાવાદ ;રાજ્યમાં મેઘમહેર થઇ છે અને હવામાન વિભાગે દ.ગુજરાત વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ થઈ ગઈ છે સક્રીય. રાજ્યના 9 જિલ્લાના 23 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ઉમરગામમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ. બોટાદના રાણપુરમાં 2 ઈંચ વરસાદ. ઓલપાડમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં મેઘરાજની પધરામણી થઇ છે રાજકોટના જસદણ વિંછીયા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ધીમી ધારે શરૂ થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ.હતી

ભાવગનર પંથકમાં બોટાદ, ગઢડા તાલુકના ઢસા, માડવધાર, રામપરા, હરિપર, ઇતરીયા સહિતના ગામોમાં વરસાદી આગમનથી ધરતી પુત્રો ખુશ ખુશાલ થઇ ગયા મહુવામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા પ્રથમ વરસાદની બાળકોએ મજા માણી હતી

બોટાદના રાણપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. એક કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના આગમનથી રાણપુરમાં ઠંડક પ્રસરી અને ઠંડકનો અહેસાસ થતા લોકો ખુશ ખુસાલ થઈ ગયા હતા.

અમરેલીના સાવરકુંડલામાં પણ મેઘરાજાએ દેખા દીધી હતી. સમગ્ર પંથકમાં ધીરી ધારે વરસાદના આગમથી લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. 

વડોદરામાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. જેમાં શહેરના આજવા, વાઘોડિયા રોડ, કારેલીબાગ, ફતેહગંજ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. તો ભાવનગર જિલ્લાના ગારિયાધરમાં ધોધમાર વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી તો ખેડૂતોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના જસદણ પંથકમાં પણ ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી....

 

નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની અને ગરુડેશ્વર વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી. અસહ્ય ગરમી અનુભવતા લોકોએ વરસાદના કારણે ગરમીમાંથી રાહત મેળવી છે. ત્યારે વરસાદના કારણે ખેડૂતપુત્રોમાં પણ ખુશી ફેલાઈ છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, જસદણ, વીછીયા અને ચોટીલા સહિતના વિસ્તારોમાં પડેલા ઝાંપટાથી કેટલાક અંશે લોકોને હાશકારો થયો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા સપ્તાહથી બફારાએ અકળાવી રહ્યો છે અને આજે વરસાદી ઝાપટાં પડતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. હવે વાવણી માટે પણ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

 બીજીતરફ ડાંગ -આહવામાં સવારના વિરામ બાદ સાંજ પડતાની સાથે જ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા વરસાદી માહોલ જામતા કેટલાક વેપારીઓને દુકાનો બંધ કરવાની ફરજ પડી. તો સહેલાણીઓ માટે ડાંગનું વાતાવરણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

   સુરતમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદે પધરામણી કરી  હતી  જોકે વીજળી એક મકાનમાં પડતા ભાગદોડ મચી ગઇ હતી. આ સિવાય નર્મદાના કેવડિયા, ડેડિયાપાડા અને સાગબારામાં પ્રથમ વરસાદને સૌ કોઇએ વધાવી લીધો. ખાસ તો અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાએ મહેરબાની કરતા ખેડૂતો આનંદમાં આવી ગયા. તો ઉત્તર યાત્રાધામ શામળાજી અને અંબાજીમાં ભારે બફારા બાદ ધોધમાર વરસાદથી લોકોએ રાહત અનુભવી.

(12:40 am IST)