Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

દુષ્‍કર્મ કેસમાં દાતી મહારાજની બીજી વખત પૂછપરછ માટે બોલાવતી દિલ્હી પોલીસઃ જરૂર પડ્યે પીડિતા અને દાતી મહારાજના કોલ ડિટેઇલ કઢાવાશે

નવી દિલ્હીઃ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલ દાતી મહારાજની દિલ્હી ક્રાઇમ બ્રાંચ દ્વારા બીજી વખત પૂછપરછ કરવામાં આવી છે.

આ વખતે પૂછપરછમાં ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ કમિશનર આલોક કુમાર પણ હાજર રહ્યા હતા અને તેમણે સ્વઘોષિત ધર્મગુરુ બની ગયેલા દાતી મહારાજની પૂછપરછ કરી હતી. આ અંગે અહેવાલો મળ્યા કે પૂછપરછ દરમિયાન દાતી મહારાજ ચોધાર આંસૂએ રડી પડ્યા હતા. જ્યારે સૂત્રોએ કહ્યું કે પોલીસને આ મામલે કેટલાક સબૂત મળ્યા છે જેથી તેની પુષ્ટી માટે દાતી મહારાજનો મર્દાનગી ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે.

દાતી મહારાજ શુક્રવારે સવારે 10 વાગ્યે જ ક્રાઇમ બ્રાંચની ઓફિસે પહોંચી ગયા હતા. પોલીસ મુજબ આ મામલે તેમની સાથે જોડાયેલ ત્રણ મુખ્ય વ્યક્તિઓ સચિન જૈન, અભિષેક અગ્રવાલ અન નવીન ગુપ્તાની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. જોકે પોલીસ સ્વીકાર્યું કે હજુ સુધી તપાસમાં એવા કોઈ સબૂત નથી મળ્યા કે જેના કારણે દાતી મહારાજની ધરપકડ કરવી પડે. જોકે તેમને હાલ ક્લીન ચિટ પણ નથી આપી રહ્યા.

પોલીસે કહ્યું કે આગામી દિવસોમાં તેઓ ફરિયાદી મહિલાએ પોતાની ફરિયાદમાં જે બે મહિલાઓનું નામ લીધું હતું તમની પૂછપરછ કરશે. જ્યારે આ તરફ દાતી મહારાજનો દાવો છે કે જ્યારે ઘટના ઘટી હોવાનું કહેવામાં આવે છે ત્યારે તેઓ છતરપુર આશ્રમમાં નહોતા. એ દિવસે સમગ્ર રાત દરમિયાન તેઓ પૂજા-પાઠ અને યજ્ઞમાં વ્યસ્ત હતા. દાતી મહારાજે પોતે નિર્દોષ હોવાના સબૂત પણ ક્રાઇમબ્રાંચને સોંપ્યા છે. જેની ક્રાઇમબ્રાંચ તપાસ કરી રહી છે તો પીડિતા તેમજ દાતી મહારાજની કોલ ડિટેલ્સ પણ તપાસવામાં આવી રહી છે.

ક્રાઇમબ્રાંચને આ મામલે કેટલાક સબૂત પણ હાથ લાગ્યા છે જેમાં કેટલાક ઈલેક્ટ્રોનિક સબૂત છે તેની ફોરેન્સિક તપાસ કરી સત્યતા ચકાસવામાં આવશે. જ્યારે રાજસ્થાનના પાલી ખાતે આવેલ તેમના આશ્રમમાં અન્ય ત્રણવાર પણ દુષ્કર્મ આચર્યાનો મહિલાએ આરોપ મુક્યો છે. જે અંગે અલગથી તપાસ શરુ કરવામાં આવશે. પોલીસ દાતી મહારાજ, તેમના ત્રણ સહાયકો અને પીડિતાની સાથે પીડિતાના પિતાના મોબાઇલ નંબરની ડિટેલ્સ પણ તપાસી રહી છે.

(6:31 pm IST)