Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મોદી સરકારની રિવાઇઝડ ટેક્સ ઇન્ફર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ ચીની મીડિયાને વધુ પસંદ પડીઃ ટેક્સ ચોરી અટકાવવા માટે ઇનામોની વણઝારને આવકારતુ ચીન

નવી દિલ્હીઃ બેનામી સંપત્તિ અને ટેક્સ ચોરી પર સકંજો કસવા માટે મોદી સરકારની રિવાઈઝ્ડ ટેક્સ ઈન્ફર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ ચીનને ખુબ ગમી ગઈ લાગે છે. ગ્લોબલ ટાઈમ્સે પોતાના એક લેખમાં લખ્યું છે કે બેનામી સંપત્તિ અને ટેક્સ ચોરીની જાણકારી દેનારાને ભારત સરકાર તરફથી ભારે ભરખમ ઈનામ આપવાની વ્યવસ્થાથી ચીને પણ સીખ લેવી જોઈએ. ભારતે આ યોજના હેઠળ સૂચના આપનારી વ્યક્તિને 50 લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધીનું ઈનામ આપવાની વ્યવસ્થા કરી છે.

ગ્લોબલ ટાઈમ્સના આ લેખનું શિર્ષક જ એવું છે કે ચીન ભારતના ટેક્સ ખબરી ઈનામ વ્યવસ્થાથી શીખી શકે છે. આ લેખમાં ભારતમાં અપનાવવામાં આવેલી ઈનામ વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે ચીનમાં આ રકમ આટલી બધી નથી. લેખ મુજબ ચીનમાં આ પ્રકારની બાતમી આપનારાઓને વધુમાં વધુ એક લાખ યુઆન(લગભગ 10 લાખ 44 હજાર) રૂપિયા આપવામાં આવે છે. ચીનમાં લોકોને પોતાના વાસ્તવિક નામથી સૂચના આપવી જરૂરી છે જ્યારે ભારતમાં જાણકારી આપનારા વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવાની વ્યવસ્થા છે.

લેખમાં કહેવાયું છે કે ભારત પાસેથી ચીન શીખી શકે છે અને ઈનામની રકમ વધારી શકે છે. એમ પણ  કહેવાયું છે કે બાતમી આપનારાની સૂચના અને તેની અંગત સુરક્ષાની વ્યવસ્થા રાખવાની પણ જરૂર છે. જો કે એ વાતની પણ તાકીદ કરાઈ છેકે ટેક્સ ચોરીના સંદર્ભમાં ફક્ત બાતમીદારોની સૂચના પર ભરોસો કરવો યોગ્ય નથી. તે ફક્ત સેકન્ડરી ઓપ્શન હોઈ શકે છે. લેખ મુજબ ટેક્સ વ્યવસ્થાને પ્રભાવશાળી બનાવવા માટે અને ઈન્કમ ગેપને ઓછો કરવા માટે ટેક્સ રિફોર્મની સાથે સાથે વધુમાં વધુ ટેક્નોલોજીના ઉપયોગની જરૂર છે.

અત્રે જણાવવાનું કે ભારતમાં બેનામી સંપત્તિ પર સકંજો કસવા માટે નાણા મંત્રાલયે એક કરોડના ઈનામની જાહેરાત કરેલી છે. જે મુજબ જો કોઈ વ્યક્તિ પ્રોહિબિશન યૂનિટ્સમાં જોઈન્ટ કે એડિશનલ કમિશનર સમક્ષ કોઈ પણ એવી સંપત્તિ અંગે જાણકારી આપે તો તેને ઈનામ મળશે. નાણા મંત્રાલયના આદેશ મુજબ આવી સંપત્તિની જાણકારી ઈન્કમ ટેક્સ વિભાગના ઈન્વેસ્ટિગેશન ડાઈરેક્ટોરેટને આપવાની રહેશે. આમ કરવા બદલ સંબંધિત વ્યક્તિને વિભાગ તરફથી 5 કરોડ રૂપિયા સુધીનું પણ ઈનામ મળી શકે.

બેનામી ટ્રાન્ઝેક્શન ઈન્ફોર્મેન્ટ્સ રિવોર્ડ સ્કીમ 2018 હેઠળ આ રકમ સૂચના આપનારાને આપવામાં આવશે. હાલમાં જ સરકારે 1988ના બેનામી એક્ટમાં સંશોધન કરીને બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ 2016 પાસ કર્યો છે. હવે બેનામી સંપત્તિઓને શોધવામાં લોકોનો સહયોગ વધારવા માટે સરકારે આ યોજના દાખલ કરી છે. મંત્રાલયના જણાવ્યાં મુજબ આ સ્કીમનો લાભ વિદેશી નાગરિકો પણ ઉઠાવી શકશે. બેનામી સંપત્તિઓની જાણકારી આપનારી વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને આ મામલે કડકાઈથી ગોપનીયતાનું પાલન કરાશે. સરકારે ઈન્કમ ટેક્સ ચોરી મામલાઓને બહાર પાડવા માટે પણ 50 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

(6:30 pm IST)