Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મોનસુન બ્રેક પર : સામાન્ય કરતા ૯ ટકા ઓછો વરસાદ

છેલ્લા ત્રણ સપ્તાહમાં ખુબ ઓછો વરસાદ રહ્યો : સારા મોનસુનની કરવામાં આવેલી આગાહી હજુ સુધી ખોટી પુરવાર : ૧૩મી જુન બાદ મોનસુન પર બ્રેક વાગી

નવી દિલ્હી,તા. ૨૩ : સારા મોનસુનની કરવામાં આવેલી આગાહી હજુ સુધી ખોટી પુરવાર થઇ રહી છે. સારા વરસાદની આગાહી અને પૂર્ણ ગતિ સાથે કેરળથી આગળ વધ્યા બાદ મોનસુન મધ્ય ભારત સુધી આવતા આવતા એકાએક બ્રેકની સ્થિતીમાં જતા રહેતા હવે ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. ૧૩મી જુન બાદથી મોનસુન આગળ વધ્યુ નથી. અથવા તો એમ કહી શકાય છે કે મોનસુન બ્રેક પર છે. છેલ્લા આઠ વર્ષમાં પ્રથમ વખત આવુ બન્યુ છે જ્યારે મોનસુન ખુબ વધારે દિવસ સુધી કોઇ એક જગ્યાએ રોકાઇ ગયુ છે. અલબત્ત હવામાન વિભાગે કહ્યુ છે કે આ કોઇ અનોખી સ્થિતી નથી. આવી સ્થિતી પહેલા પણ સર્જાઇચુકી છે. જુન ૨૦૧૪માં પણ મોનસુન ૧૦ દિવસ સુધી એક જગ્યાએ રોકાઇ જતા આવી જ સ્થિતી સર્જાઇ હતી. વર્ષ ૨૦૧૦માં પણ આવી સ્થિતી સર્જાઇ હતી. એ વખતે મોનસુન ૧૩ દિવસ રોકાયા બાદ અટકી ગયુ હતુ. બીજી બાજુ આંકડા પણ ચિંતા સર્જી રહ્યા છે. મોનસુનના પ્રથમ ત્રણ સપ્તાહના ગાળામાં દેશમાં દક્ષિણપશ્ચિમ મોનસુનથી વરસાદ સામાન્ય કરતા નવ ટકા ઓછો રહ્યો છે. મુંબઇ અને કર્ણાટકમાં મોનસુન પહોંચ્યા બાદ મોનસુનની સ્થિતી નબળી પડી ગઇ છે. છેલ્લા એક સપ્તાહથી ફરી એકવાર લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દેશમાં સામાન્ય કરતા આશરે ૩૯ ટકા વધારે વરસાદ થયો છે. મધ્ય ભારતમાં હજુ સુધી મોનસુન પહોંચે તે જરૂરી હતુ. પરંતુ હજુ સુધી મોનસુને એન્ટ્રી પણ કરી નથી. આ સમગ્ર વિસ્તારમાં ૭૦ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે રવિવારથી મોનસુનની ગતિ તીવ્ર બની શકે છે. એક અધિકારીના કહેવા મુજબ ૧૩મી જુનના દિવસ બાદ દક્ષિણ પશ્ચિમ મોનસુન અટકી ગયુ છે. જો કે રવિવારના દિવસથી તેમાં તેજી આવી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ પશ્ચિમ મોનસુન મધ્ય ભારતમાં અટકી ગયુ છે. પરંતુ હવે સ્થિતી તેના આગળ વધવામાં મદદરૂપ બની શકે છે.ટુંક સમયમાં જ તેના આસામના બાકી હિસ્સા, મહારાષ્ટ્ર, છત્તિસગઢ, ઓરિસ્સામાં પહોંચી જવાની શક્યતા છે. 

(12:41 pm IST)