Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

૩૬૦૦ કરોડના સોદામાં લાંચનો મામલો

ભારતને ઝટકો : અગસ્તા - વેસ્ટલેન્ડ કૌભાંડના મધ્યસ્થીને નહી મોકલે ઇટાલી

નવી દિલ્હી તા. ૨૩ : અંદાજે ૩૬૦૦ કરોડ રૂપિયાના અગસ્તા-વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર ખરીદીમાં લાંચ આપવાની તપાસ કરી રહેલી ભારતીય એજન્સીઓને કરારો ઝટકો લાગ્યો છે. ઇટાલીએ આ ડીલમાં કથિત રીતે મધ્યસ્થ (દલાલ)ની ભૂમિકા ભજવનાર કાર્લો ગેરોસાને ભારત પ્રત્યાર્પણ કરવાથી ઇન્કાર કરી દીધો છે. ઇટાલીએ જણાવ્યું છે કે તેમની અને ભારત વચ્ચે કોઇપણ પારસ્પરિક કાનૂની સહાયતા સંધિ કરવામાં આવી નથી.

સીબીઆઇએ આ અંગે વિદેશ મંત્રાલયને જાણકારી આપી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ અંગે વિચારવામાં આવી રહ્યું છે કે બંને દેશ વચ્ચે કાનૂની સહાયતા સંધિ ન હોવાની સ્થિતિમાં કઇ રીતે મધ્યસ્થની ભૂમિકા ભજવનાર કાર્લો ગેરોસોનું ભારતમાં પ્રત્યાર્પણ કરાવી શકાય છે.

ઇટાલી અને સ્વિસનું નાગરિકત્વ રાખનાર ૭૧ વર્ષીય કાર્લો વેલેંટિનો ફર્ડિનાંડો ગેરોસા આ ત્રણ મધ્યસ્થ (દલાલ)માંથી એક છે. અન્ય બે દલાલ ગાઇડો હૈશકે અને ક્રિશ્ચિયન માઇલ હતા. આ ત્રણમાંથી ગેરોસોને આ લાંચ કૌભાંડનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે.

ગેરોસાએ વીવીઆઇપી હેલિકોપ્ટર માટે નક્કી ધારાધોરણમાં હેર-ફેર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના પર આરોપ છે કે આ હેરફેર ભારતીય એરફોર્સના પૂર્વ વાયુસેનાઅધ્યક્ષ એસપી ત્યાગીના પિતરાઇ ભાઇ સાથે બેઠક દ્વારા કરી હતી. આવા સમયે તેનું નિવેદન આ મામલાની તપસ કરી રહેલા ઇડી અને સીબીઆઇ માટે ઘણું મહત્વનું થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારતને ૧૨ વીવીઆઇપી હેલિકોપ્ટર ખરીદવાના હતા. બ્રિટિશ કંપની અગસ્તા વેસ્ટલેન્ડે અંદાજે ૩૬૦૦ કરોડ રૂપિયાના આ હેલિકોપ્ટર સપ્લાઇ કરવામાં રૂચિ દેખાડી હતી. પરંતુ ઉડાનની ઉંચાઇને લઇને આ હેલિકોપ્ટર દાયરામાં આવતું નહોતું.

ગેરોસા તેમજ અન્ય બંને દલાલોએ ૨૦૦૫માં ભારતીય વાયુસેનામાં લાંચ આપીને ૬ હજાર મીટરને ઘટાડી ૪૫૦૦ મીટર કરાવી દીધી હતી. જેના માટે ૪૨૩ કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે. કેન્દ્ર સરકારે ૧ જાન્યુઆરી ૨૦૧૪દ્ગક્ન રોજ વાત સામે આવતા ખરીદી રદ્દ કરી હતી.(૨૧.૭)

(11:35 am IST)